જૂનાગઢ જિલ્લા જેલને બોમ્બથી ઉડાવવાની ઈમેલથી ધમકી, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ

પોલીસ, SOG, LCB અને બોમ્બ સ્ક્વોડ દ્વારા જેલમાં સઘન તપાસ; કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહીં

જૂનાગઢ જિલ્લા જેલને બોમ્બથી ઉડાવવાની ઈમેલથી ધમકી, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ

જૂનાગઢ તા.3
જૂનાગઢ જિલ્લા જેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ સુરક્ષા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. અજાણ્યા ઈમેલ આઈડી પરથી પોલીસ કંટ્રોલને મોકલવામાં આવેલા સંદેશમાં ગુજરાત રાજ્યની વિવિધ જેલોની સાથે જૂનાગઢ જિલ્લા જેલને પણ નિશાન બનાવવાની ચીમકી આપવામાં આવી હતી. આ ધમકીની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક સક્રિય બની હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એ ડિવિઝન પોલીસ, એસઓજી, એલસીબી, જેલના કર્મચારીઓ તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો તાત્કાલિક જેલ પરિસરમાં પહોંચી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે જેલના વિવિધ વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા ટીમો દ્વારા ઝીણવટભરી તપાસ અને ચેકિંગ કરવામાં આવ્યું હતું. જોકે, લાંબી તપાસ બાદ પણ જેલ પરિસરમાંથી કોઈ વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. પરિણામે સુરક્ષા તંત્રએ રાહત અનુભવી હતી. અજાણ્યા ઈમેલ મારફતે મળેલી આ ધમકીને પગલે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સતર્ક બનાવવામાં આવી હતી.