જયાં જયાં નજર મારી ઠરે ત્યાં સર્વત્ર કચરો નજરે પડે !

લોકોએ મત આપી ફરજ બજાવી હવે પ્રજાના પ્રતિનિધિઓ તમે કચરો સાફ કરી ફરજ બજાવો

જયાં જયાં નજર મારી ઠરે ત્યાં સર્વત્ર કચરો નજરે પડે !

જૂનાગઢ તા.૧પ
લોકોએ ખોબલે ખોબલે મત આપી ભાજપને ફરી એકવાર મનપામાં શાસન કરવાની તક આપી તેમજ જૂનાગઢનાં ધારાસભ્યને પણ જંગી બહુમતીથી વિજેતા બનાવેલ છે. મનપાનું સ્થાનિક શાસન પણ ભાજપનાં હાથમાં, ધારાસભ્ય પણ ભાજપનાં તેમ છતાં જૂનાગઢવાસીઓની મુશ્કેલીમાં અને ખરાબ હાલતમાં કોઈ ફેર પડતો નથી. લોકોની અનેક સમસ્યાઓ છે. અને તહેવારોનાં દિવસો નજીક આવી રહયા છે બરાબર તે જ ટાંકણે આજે જૂનાગઢ શહેર કચરાગઢમાં ફેરવાઈ ગયું છે ત્યારે ભાજપનાં પ્રજાનાં પ્રતિનિધિઓ માત્ર બેઠકો, મંત્રણાઓ કરી રહયા છે અને સફાઈ કર્મચારીના પ્રશ્ને નિતી વિષયક નિર્ણય લેવાની વાતો કરી અને પોતાની જવાબદારીમાંથી વિમુખ થઈ રહયા છે. જૂનાગઢની આજે જે હાલત થઈ છે તેને લઈને લોકો એવું બોલી રહયા છે કે શું અમે આટલા માટે જ ભાજપને મત આપ્યો હતો. પ્રજાનાં આ પ્રતિનિધિઓએ લોકોની સમસ્યાનો ઉકેલ કયારે લાવશે તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે.
જૂનાગઢ શહેરમાં મનપાનાં સફાઈ કર્મચારીઓ છેલ્લા ૬ દિવસ થયા પોતાની વ્યાજબી માંગણીઓના કારણે હડતાળ ઉપર ઉતરી ગયા છે. ૭૦૦ જેટલા કર્મચારીઓની હડતાળને પગલે શહેરમાં સફાઈની કામગીરીને બ્રેક લાગી ગઈ છે. અને જેને કારણે ઠેર ઠેર કચરા કચરા જ જાેવા મળી રહયા છે. સફાઈ કર્મચારીઓએ લાંબા સમયથી તેમની પડતર માંગણીનો ઉકેલ ન આવતા આંદોલન શરૂ કર્યુ છે.એક તરફ સફાઈ કર્મચારીની હડતાળ અને જેને લઈને સફાઈની કામગીરીને ખુબ જ મોટી અસર પહોંચી હોય ત્યારે નગરજનો કચરાની આ સમસ્યાથી પણ ત્રાહીમામ પોકારી ઉઠયા છે. રસ્તાની સમસ્યા તો છે જ પરંતુ પાછી આ કચરાની સમસ્યાને પગલે હેરાન પરેશાન થઈ ગયેલ છે. લોકોએ ખોબલે ને ખોબલે મતો આપી પ્રજાનાં પ્રતિનિધિઓને ચુંટી કાઢયા છે. ખાસ કરીને મનપાનાં ભાજપનાં મેયર, ડે. મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક સહીતનાં પદાધિકારીઓને મતો આપી અને તેમને વિજેતા અપાવ્યા છે. મનપાની ચુંટણીમાં ભાજપને ફરી એકવાર ભારે બહુમતી આપી અને ચુંટી કઢાયેલા આ ભાજપનાં પદાધિકારીઓએ શાસનધુરા સંભાળી તેને પણ સારો એવોસમય થઈ ગયો છે તેમ છતાં નગરજનોને કોઈ સુવિધા પ્રાપ્ત થઈ નથી તેવી અનેક ફરીયાદો ઉઠવા પામી છે. જૂનાગઢનાં ધારાસભ્ય પણ લોકો દ્વારા ચુંટાયેલા પ્રજાનાં પ્રતિનિધિ જ છે. અને તેઓ પણ અવાર નવાર લોક દરબાર જેવા કાર્યક્રમો કરી પ્રજાની સમસ્યા માટે જાગૃતિ દાખવે છે. અને લોકોને આહવાન કરે છે કે જે કોઈ મુશ્કેલી હોય તે બાબતે ધારાસભ્યને રજુઆત કરવી. છેલ્લા ૬ દિવસ થયા સફાઈ કર્મચારીની હડતાળ છે. અને તેને લઈને શહેરની હાલત ખુબ જ ખરાબ બની ગઈ છે. પ્રજાનાં આ પ્રતિનિધિઓએ સફાઈ કર્મચારીના પ્રશ્ને કોઈ ઉકેલ હજી સુધી તો શોધી શકયા નથી. બેઠકો ચલાવે છે, મંત્રણાઓ કરે છે અને સફાઈ કર્મચારીઓનો પ્રશ્ન નિતી વિષયક નિર્ણય બાબત છે તેમ જણાવી અને ગાળીયો સરકાર તરફ ફેંકી દે છે. જે કાંઈ હોય વારંવાર કોઈપણ પ્રશ્ને ગાંધીનગરનાં ફેરા કરનારા અને મુખ્યમંત્રી સુધી તેમને કોન્ટેક છે અને તેના પુરાવારૂપે મુખ્યમંત્રી સાથેના ફોટાઓ અવાર નવાર પ્રસિધ્ધ કરાવનારા આ તમામ પદાધિકારીઓને એટલું જ કહેવાનું કે તમારે જાે સરકાર સાથે સીધો જ સંવાદ થતો હોય અને મુખ્યમંત્રી સાથે ડાયરેકટ ડાઈલીંગ હોય તો સફાઈ કર્મચારીઓની આટલો સમય હડતાળ ચાલુ ન રહી હોય અને તેનો પ્રશ્ન પણ હલ થઈ ગયો હોય. હવે શું કરવું તે તમારે વિચારવાનું છે ? તેવું જનતામાં રોષભેર ચર્ચાઈ રહયું છે.