એમ્સ રાજકોટમાં અત્યાધુનિક રેડિયોથેરાપી સુવિધાનું ઉદ્ઘાટન  

સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓને હવે ઘર આંગણે મળશે અદ્યતન સારવાર કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાના હસ્તે ઓનલાઇન માધ્યમથી સુવિધાનો શુભારંભ

એમ્સ રાજકોટમાં અત્યાધુનિક રેડિયોથેરાપી સુવિધાનું ઉદ્ઘાટન  

ગાંધીનગર, તા. ૩
ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારના કેન્સરના દર્દીઓને અત્યાધુનિક સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં આજે વધુ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. રાજકોટ સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એમ્સ) ખાતે અત્યાધુનિક રેડિયોથેરાપી સુવિધાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાના હસ્તે ઑનલાઇન માધ્યમથી આ સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના આશરે રૂ. ૩૯ કરોડના રોકાણથી વિકસાવવામાં આવેલી આ સુવિધા સૌરાષ્ટ્ર સહિત આસપાસના જિલ્લાઓના કેન્સરના દર્દીઓ માટે અદ્યતન અને ગુણવત્તાયુક્ત સારવારની નવી આશા લઈને આવી છે. આ કાર્યક્રમમાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જાેડાયેલા ગુજરાત સરકારના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, એમ્સ રાજકોટ ખાતે અત્યાધુનિક રેડિયોથેરાપી સુવિધાની શરૂઆત રાજકોટ, સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાત માટે મહત્ત્વપૂર્ણ દિવસ છે. આ સુવિધા કેન્દ્ર અને રાજ્ય સરકારની અદ્યતન, સુલભ, સસ્તી અને દર્દીલક્ષી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની સહિયારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્સર માત્ર દર્દીને જ નહીં, પરંતુ સમગ્ર પરિવારને અસર કરે છે. સારવાર અને ફોલોઅપ માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડતી હોવાથી દર્દીઓ અને તેમના પરિવારો પર આર્થિક તથા માનસિક બોજ વધે છે. એમ્સ રાજકોટ ખાતે આ સુવિધા ઉપલબ્ધ થવાથી સૌરાષ્ટ્ર અને આસપાસના જિલ્લાઓના દર્દીઓ, ખાસ કરીને ગ્રામીણ, અર્ધશહેરી અને આર્થિક રીતે નબળા પરિવારોને મોટી રાહત મળશે. ભારત સરકારના આશરે રૂ. ૩૯ કરોડના રોકાણથી વિકસાવવામાં આવેલી આ સુવિધામાં અત્યાધુનિક હાઈ એનર્જી લીનિયર એક્સિલરેટર, વાઈડ-બોર સીટી સિમ્યુલેટર અને એચડીઆર બ્રેકીથેરાપી યુનિટ સ્થાપિત કરવામાં આવ્યાં છે. તેના દ્વારા IMRT, VMAT, ઇમેજ ગાઇડેડ રેડિયોથેરાપી, સ્ટીરિયોટેક્ટિક ટેક્નિક્સ અને બ્રેકીથેરાપી જેવી આધુનિક સારવાર પદ્ધતિઓ વધુ ચોકસાઈ અને સુરક્ષા સાથે ઉપલબ્ધ બનશે.
શ્રી પાનશેરિયાએ જણાવ્યું કે આ સુવિધાથી માથા અને ગળાના કેન્સર, સ્ત્રીરોગ સંબંધિત કેન્સર, સ્તન કેન્સર સહિતના વિવિધ પ્રકારના કેન્સરની અદ્યતન સારવાર સૌરાષ્ટ્રના દર્દીઓને નજીકમાં જ મળી શકશે. આયુષ્માન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો ઉલ્લેખ કરતાં શ્રી પાનશેરિયાએ જણાવ્યું હતું કે, પાત્રતા ધરાવતા દર્દીઓને આ યોજના અંતર્ગત મળતી આર્થિક સહાય અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આર્થિક મુશ્કેલીના કારણે કોઈ પણ પરિવાર જરૂરી કેન્સર સારવારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવું સરકારની પ્રાથમિકતા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર આરોગ્યલક્ષી માળખાકીય સુવિધાઓ, પ્રશિક્ષિત માનવબળ, વહેલું નિદાન, મજબૂત રેફરલ વ્યવસ્થા અને કેન્સર અંગેની જનજાગૃતિ વધારવા પ્રતિબદ્ધ છે. એમ્સ રાજકોટ સારવારની સાથે તબીબી શિક્ષણ, તાલીમ, સંશોધન અને જાહેર આરોગ્ય ક્ષેત્રે પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે. અંતમાં પાનશેરિયાએ આ સુવિધા સાકાર કરવા બદલ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, એમ્સ રાજકોટના નેતૃત્વ, રેડિયેશન ઓન્કોલોજી વિભાગ તથા તમામ તબીબી, ટેક્નિકલ અને વહીવટી ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાના નેતૃત્વ અને સહયોગ બદલ આભાર વ્યક્ત કરતાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ અદ્યતન સુવિધા હજારો કેન્સરગ્રસ્ત દર્દીઓ અને તેમના પરિવારોના જીવનમાં નવી આશાનો સંચાર કરશે.
આ પ્રસંગે લોકસભાના સાંસદ શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહ ઝાલા, ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં સચિવ સુશ્રી પુણ્ય સલિલા શ્રીવાસ્તવ (IAS), એમ્સ રાજકોટના અધ્યક્ષ પ્રો. ડૉ. જે. એસ. તિતિયાલ તથા એમ્સ રાજકોટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી પ્રો. ડૉ. એલ. એન. દોરાઈરાજન સહિતના મહાનુભાવો, ફેકલ્ટી સભ્યો, તબીબો, આરોગ્યકર્મીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.