શેરબજારમાં દિવાળી : તહેવારો પૂર્વે જ સેન્સેકસમાં ૧૦૦૦ પોઈન્ટનો ઉછાળો
રાજકોટ તા.૨
શેરબજાર સહિતનાં ફાઈનાન્સીયલ માર્કેટો કેટલાંક દિવસોથી અનિશ્ચિતતા વચ્ચે તીવ્ર મંદીમા રહયા બાદ હવે દિવાળીના તહેવારો પૂર્વે જ ટ્રેન્ડ બદલાયો હોય તેમ આજે તમામ માર્કેટો પોઝીટીવ બન્યા હતા. સેન્સેકસ ૧૦૦૦ પોઈન્ટથી વધુ ઉંચકાઈને ૭૫૦૦૦ ની સપાટી કુદાવી ગયો હતો જયારે સોના-ચાંદી અને રૂપિયામાં પણ તેજી થઈ હતી તથા ક્રુડ તેલ નબળુ પડયુ હતું. શેરબજારમાં આજે પોઝીટીવ ટોને શરૂઆત થઈ હતી. તમામ સેકટરના શેરોમાં ઓલરાઉન્ડ લેવાલીથી માર્કેટ તેજીના માર્ગે આગળ દોડવા લાગ્યુ હતું.કેટલાંક લોકલ અને સ્વૈચ્છીક પરિબળોએ માનસ તેજીનું બનાવ્યુ હ્તુ.ભારતનુ જીએસટી કલેકશન બીજા નંબરના રેકોર્ડ સ્તરે પહોંચ્યાનાં રીપોર્ટથી દેશનું અર્થતંત્ર ધમધમતુ હોવાનુ અને આવતા દિવસોમાં હજુ વધુ સારૂ બનવાનો આશાવાદ વ્યકત થવા લાગ્યો હતો. આ સિવાય ડોલર સામે રૂપિયો ઝડપથી મજબૂત થતા આયાત મોરચે મોટી રાહત થવાની ગણતરી મુકાતી હતી. ક્રુડ તેલ પણ નીચુ આવતા પોઝીટીવ અસર થઈ હતી. મધ્યપૂર્વનું યુદ્ધ સંકટ ઉભુ હોવા છતા ફરી વખત વાટાઘાટોના દ્વાર ખુલ્યા હોવાની અને શાંતિ પ્રસ્તાવ રજુ થયાની વિગતો જાહેર થતાં માર્કેટને મોટી રાહત થઈ હતી.
જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે દિવાળીના તહેવાર પુર્વેજ તમામ માટે તો તેજીમાં ધમધમવા લાગતા માનસ બદલાયું છે અને નવેસરથી લેવાલી શરૂ થયાની છાપ ઉભી થઈ છે.


