જૂનાગઢનાં મજેવડી દરવાજા માર્ગ પર સવારથી જ ટ્રાફીક જામનાં દ્રશ્યો

રસ્તાની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય તો તત્કાલ રસ્તો ખુલ્લો મુકવા માંગણી

જૂનાગઢનાં મજેવડી દરવાજા માર્ગ પર સવારથી જ ટ્રાફીક જામનાં દ્રશ્યો

જૂનાગઢ તા. ર
જૂનાગઢ-રાજકોટ હાઈવે પર મજેવડી દરવાજા નજીક આજે સવારથી જ વાહનોની સતત અવર જવરને કારણે ટ્રાફીક જામનાં દ્રશ્યો સર્જાયા હતાં. આ માર્ગ પરથી પસાર થતી વખતે લોકોને તેમજ વાહન ચાલકોને અવર જવર માટે ભારે ટ્રાફીકનો સામનો કરવો પડે છે. જાે કે જાણકાર સુત્રોનાં જણાવ્યા અનુસાર રસ્તાનું જે કામ ચાલતું હતું તે લગભગ પૂર્ણ થયું છે. ત્યારે આ રસ્તો ખોલી નાખવાની માંગણી ઉઠવા પામી છે.
જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં રસ્તાનાં કામો તેમજ અન્ય કામગીરી સબબ ખોદકામ અને કામગીરી પૂર્ણ કરવા માટેના કામો ચાલી રહયા છે. રેલ્વે સ્ટેશનથી ગાંધી ચોક સુધી ભુગર્ભ ગટર ફેઝ-રની કામગીરી અંતર્ગત યુધ્ધનાં ધોરણે કામ ચાલી રહયું છે. અને તે કામગીરી લગભગ પૂર્ણ થવાના આરે પહોંચી છે. ડાઈવર્જન અપાયેલું હોય જેને લઈને ત્યાં પણ ટ્રાફીક જામ જેવી સ્થિતિ દિવસમાં અનેકવાર રહે છે. આ ઉપરાંત મજેવડી દરવાજાથી આગળ જતા માર્ગ પર કામ ચાલુ હોવાને કારણે આ રસ્તા પર પણ ડાઈવર્જન આપવામાં આવ્યું હતું. પરંતુ ત્યાં કામગીરી પૂર્ણ થઈ ચુકી હોવાનું જાણવા મળે છે. પરંતુ હજુ સુધી વાહન વ્યવહાર માટે આ રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો નથી. મજેવડી દરવાજા નજીકનો આ માર્ગ જૂનાગઢ-રાજકોટ હાઈવે છે. અને ત્યાં નાના મોટા વાહનોની સતત ર૪ કલાક અવર જવર રહેતી હોય છે. અને જેના કારણે ટ્રાફીક જામની સ્થિતિ સતત રહે છે. દિવાળીનાં દિવસો નજીક આવી રહયા છે ત્યારે બહારગામથી આવનારા લોકોનો પ્રવાહ પણ જૂનાગઢમાં સતત રહે છે. અને પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આ શહેરમાં આવી રહયા હોય જેને લઈને ટ્રાફીકની સ્થિતિ વધુ મુશ્કેલ બને તે પહેલા મજેવડી દરવાજાનો આ રસ્તો વહેલી તકે ખુલ્લો મુકવાની માંગણી ઉઠવા પામી છે.