ગીરનારની લીલી પરીક્રમાનો ૩૬ કિમીવાળો જુનો રૂટ જ રાખવા માંગણી
સરકડીયા હનુમાનજી મહારાજનાં શ્રી મહંત શ્રી હરીદાસજી ગુરૂ રાઘવદાસજી મહારાજ દ્વારા કલેકટરને પત્ર પાઠવી રજુઆત
જૂનાગઢ તા. ર
ગરવા ગીરનારની ૩૬ કિમીની લીલી પરીક્રમા આગામી તા. ર૦થી રપ નવેમ્બર દરમ્યાન યોજાનાર છે ત્યારે આ પરીક્રમાને લઈને શ્રી મનોકામના સિધ્ધ સરકડીયા હનુમાનજી મહારાજનાં શ્રી મહંત શ્રી હરીદાસજી ગુરૂ રાઘવદાસજી મહારાજે જૂનાગઢ જીલ્લા કલેકટરને એક પત્ર પાઠવી અને વિસ્તૃત રજુઆત કરી છે.
આ પત્રમાં જણાવેલ છે કે હિન્દુ પરંપરાની આસ્થા અને શ્રધ્ધાનાં કેન્દ્ર એવી લીલી પરીક્રમાનો રૂટ રૂપાયતનથી મહાકાલી મંદિર (ઝીણાબાવાની મઢી) સરકડીયા હનુમાન મંદિરથી માળવેલાની નળપાણીની ઘોડી અને ત્યાંથી બોરદેવી અને છેલ્લે ભવનાથમાં પરીક્રમા પૂર્ણ થતી હોય છે. પરંતુ વહીવટી તંત્ર દ્વારા સરકડીયાનો રૂટ બાયપાસ કરી સીધા જ ઝીણાબાવાની મઢીથી મારવેલાનો રસ્તો બનાવી દીધેલ છે. જેને કારણે જુની પરંપરા મુજબ શ્રધ્ધાળુઓની શ્રધ્ધા અને આસ્થાને ઠેસ પહોંચાડે છે. જેથી જુના રૂટ મુજબ ૩૬ કિમીવાળો રૂટ રાખવાની માંગણી કરી છે. આ ઉપરાંત લીલી પરીક્રમા દરમ્યાન સરકડીયા હનુમાન મંદિર તરફથી અન્નક્ષેત્ર ચાલતું હોય જેથી માલની આવક તેમજ જતા વાહનોને પાટવડ કોઠા ચેકપોસ્ટ દ્વારા અટકાયત કે અવરોધ કરે નહી તે બાબતે યોગ્ય કરવા વિનંતી કરાય છે. આ ઉપરાંત લીલી પરીક્રમાનાં રૂટમાં પાણીની અછત હોય અને હાલની સ્થિતિએ એકપણ ઝરણું કે નદી ચાલુ ન હોય કે અન્ય કોઈ સ્ત્રોત ઉપલબ્ધ ન હોય તેમજ સરકાર દ્વારા પાણીની પ્લાસ્ટીકની બોટલનો પ્રતિબંધ હોય આવી સ્થિતિમાં પાણીનાં ગંભીર પ્રશ્ને યોગ્ય કરવાની માંગણી કરી છે. આ ઉપરાંત સરકડીયા મંદિર તરફથી સરકડીયા ઘોડી પર સોલાર લાઈટ ફીટ કરવા માંગતા હોય જે અંગેની પરવાનગી આપવા પણ મહંતશ્રી હરીદાસજી બાપુએ માંગણી કરી છે અને આ અંગે વન સંરક્ષણ અધિકારી તેમજ મુખ્યમંત્રીને પણ પત્ર પાઠવ્યો હોવાનું યાદીમાં જણાવેલ છે.


