જંગલ છોડી રેવન્યુ વિસ્તાર તરફ સિંહની અવરજવર વધી

કુદરતી વાતાવરણમાં ખલેલ, ખોરાકની શોધમાં વન્યપ્રાણીઓ જંગલ છોડવા મજબુર 

જંગલ છોડી રેવન્યુ વિસ્તાર તરફ સિંહની અવરજવર વધી

જૂનાગઢ તા. 20
છેલ્લા કેટલાક સમયથી જંગલમાં જ રહેવા ટેવાયેલા સિંહ સહીતના વન્ય પ્રાણીઓ હવે જંગલ છોડી અને રેવન્યુ વિસ્તાર તરફ આવતા થયા છે. વન્યપ્રાણીઓની અવરજવરને કારણે લોકોમાં ભયની લાગણી ઉઠવા પામી છે. વન્યપ્રાણીઓમાં ખાસ કરીને સિંહ અને દીપડા જેવા વન્યપ્રાણીઓ હવે પોતાના રહેઠાણને છોડી અને જંગલ બહાર આંટાફેરા મારતા થયા છે. જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ શહેરને અડીને જ આવેલ ગિરનાર ક્ષેત્ર કે જે વનરાજીઓથી આચ્છાદિત છે. આ વિસ્તારમાં એટલે કે ગિરનાર દરવાજા, ભવનાથ તળેટી જવાના માર્ગ ઉપર અવાર-નવાર એકદ દોકલ સિંહ તેમજ સિંહ પરિવાર પણ દેખા દીયે છે અને તેની સાબિતી આપતા વિડીયો પણ વાયરલ થયા છે. આ ઉપરાંત વિલીંગ્ડન ડેમ વિસ્તારમાં પણ સિંહ પરિવાર જાેવા મળે છે. તેમજ જૂનાગઢ શહેરની આસપાસનાં પાદરીયા, પલાસવા, ટીંબાવાડી સહીતનાં વિસ્તારોમાં કયારેક કયારેક સિંહ પરિવાર તો કયારેક દીપડા જેવા પ્રાણીઓ લટાર મારતા જાેવા મળે છે. સિંહ પરિવારનું સીટી ગૃપ તેમજ તેમાંથી વિખુટું પડેલું અન્ય ગૃપ પણ જુદા જુદા વિસ્તારમાં લટાર મારતા જાેવા મળે છે અને આવા બનાવો સતત વધી રહયા છે. જૂનાગઢ જિલ્લો ઉપરાંત નજીકના જંગલ વિસ્તારમાંથી બહાર આવેલા વન્યપ્રાણીઓ દેખાવા લાગ્યા છે અને ખાસ કરીને  રેવન્યુ વિસ્તાર તરફની વધી રહેલી અવર-જવરને કારણે લોકોમાં ભય પણ ઉઠવા પામેલ છે. અવાર-નવાર જુદા જુદા વિસ્તારમાં વન્યપ્રાણીઓ દેખા દેતા હોય છે. શાંતિથી લટાર મારીને નીકળી જાય ત્યાં સુધી બરાબર છે પરંતુ વન્યપ્રાણીઓ તેમાં પણ હિંસક પ્રાણીઓ દ્વારા માનવ ઉપર થતા હુમલાનાં બનાવો પણ બન્યા છે અને પશુઓનાં મારણ કરવામાં આવ્યા હોવાનાં બનાવો પણ સતત વધી રહયા છે. હવે સવાલ એ છે કે, જંગલમાં જ રહેવા ટેવાયેલા વન્ય જીવો જંગલ છોડીને શા માટે બહાર નીકળવા લાગ્યા છે? તો તે અંગે ખાસ જાણવા મળેલી વિગત મુજબ સિંહ સહીતનાં વન્યપ્રાણીઓની વસ્તીમાં થઈ રહેલો વધારો ઉપરાંત જે જંગલમાં છુટથી હરીફરી શકતા હતા ત્યાં હવે ચંચુપાત થયો છે. જેમાં જંગલોનો નાશ થઈ રહયો છે. નેશડા ઓછા થવા લાગ્યા છે અને શાંતિને પલીતો ચાંપનારા બનાવો પણ વધી રહયા છે. ગેરકાયદેસર થતા લાયન-શોનાં બનાવો વધી રહયા છે. સિંહ સહીતનાં વન્યપ્રાણીઓની આવા શો દરમ્યાન પજવણી કરવામાં આવતી હોવાનાં બનાવો પણ સામે આવ્યા છે. આ સિવાય વન્યપ્રાણીઓને આજે ખોરાકની શોધમાં દર દર ભટકવું પડે છે તેવી સ્થિતી છે અને તેના કારણે પણ વન્યપ્રાણીઓની જંગલ બહાર ખાસ કરીને રેવન્યુ વિસ્તાર તરફ અવર-જવર વધી રહી છે. આ બાબત સામાન્ય નથી. આગામી સમયમાં વન્યપ્રાણીઓની રેવન્યુ વિસ્તાર તરફ અવરજવર ઘાતક પણ બની શકે છે અને ગંભીર પરિસ્થિતી સર્જાઈ તે પહેલા સંબંધીત વિભાગ અને સરકાર દ્વારા અસરકારક પગલા ભરવાની જરૂર છે.