મંદિરના પૈસા ભગવાનના છે : ડુબતી બેંકોને ઉગારવા તેનો ઉપયોગ થઈ શકે નહીં : સુપ્રિમ કોર્ટ

મંદિરના પૈસા ભગવાનના છે : ડુબતી બેંકોને ઉગારવા તેનો ઉપયોગ થઈ શકે નહીં : સુપ્રિમ કોર્ટ

(એજન્સી)    નવી દિલ્હી,તા.૦૬: 
મંદિરો અને ધામિર્ક સંસ્થાઓના ભંડોળની સુરક્ષા અને વ્યવસ્થાપન અંગે દેશની સર્વોચ્ચ અદાલતે એક સીમાચિહ્નરૂપ અવલોકન કર્યું છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ કરાયેલું દાન અને નાણાં ભગવાનના છે. આ રકમનો ઉપયોગ આર્થિક રીતે નબળી કે માંદી પડેલી સહકારી બેન્કોને બેઠી કરવા કે તેમના ગુજરાન માટે કરી શકાય નહીં. કેરળના એક મંદિરના કેસમાં કોર્ટે આદેશ આપ્યો છે કે મંદિરનું ભંડોળ સુરક્ષિત અને વધુ વ્યાજ આપતી રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જમા કરાવવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે કેરળના થિરુનેલી મંદિર દેવસ્વોમના ભંડોળને લગતા એક કેસની સુનાવણી દરમિયાન આ મહત્વનો ચુકાદો આપ્યો હતો. 
ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે મંદિરના નાણાંનો ઉપયોગ માત્ર ને માત્ર દેવતા અને મંદિરના હિતોના રક્ષણ માટે જ થવો જોઈએ. આ કેસમાં કેરળ હાઈકોર્ટે બે સહકારી બેન્કોને આદેશ આપ્યો હતો કે તેમણે મંદિરની પાકતી મુદતની ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) ના નાણાં પરત કરવા, જેને બેન્કોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.