'રામાયણ'માં માતા સીતાના દિવ્ય રૂપમાં સાઈ પલ્લવી, નવા પ્રોમોએ ચાહકોનું મન મોહ્યું
નિર્માતા નમિત મલ્હોત્રાએ સીતાના પાત્રનો ખાસ પ્રોમો કર્યો રિલીઝ; સાદગી અને સૌમ્યતાભર્યા અંદાજે દર્શકોનું ધ્યાન ખેંચ્યું
મુંબઈ, તા. ૩
નમિત મલ્હોત્રાના પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહેલી ભવ્ય અને બહુપ્રતિક્ષિત ફિલ્મ 'રામાયણ'ને લઈને દર્શકો અને સિનેપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મના નિર્માતાઓ પણ ચાહકોનો ઉત્સાહ જાળવી રાખવા માટે સતત નવા લુક અને પ્રોમો રજૂ કરી રહ્યા છે. તાજેતરમાં લક્ષ્મણના પાત્રમાં રવિ દુબેનો લુક જાહેર કર્યા બાદ હવે માતા સીતાના દિવ્ય રૂપમાં સાઈ પલ્લવીનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે, જેને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર સાઈ પલ્લવીનો ખાસ પ્રોમો શેર કર્યો છે. તેમાં અભિનેત્રીની સાદગી અને સૌમ્યતા જોવા મળે છે. પ્રોમો સાથેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ધરતીની પુત્રી, મિથિલાની રાજકુમારી, પ્રેમથી બંધાયેલી અને ધર્મથી પ્રેરિત. સીતાજીના રૂપમાં સાઈ પલ્લવીનો પ્રોમો રજૂ કરવામાં આવ્યો છે. સાથે જ ૫ નવેમ્બરથી વિશ્વભરના સિનેમાઘરોમાં તમામ પ્રીમિયમ ફોર્મેટમાં 'રામાયણ'નો અનુભવ માણવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પ્રોમોમાં સાઈ પલ્લવીને માતા સીતાના જીવનના જુદા જુદા તબક્કાઓમાં દર્શાવવામાં આવી છે. તેમાં વિવાહ પહેલાંની મિથિલાની રાજકુમારી તરીકેની ઝલક, પ્રભુ શ્રીરામ સાથેના લગ્ન બાદનું રૂપ તેમજ વનવાસના મુશ્કેલ દિવસોની ઝાંખી જોવા મળે છે. દરેક દૃશ્યમાં સાઈ પલ્લવીના ચહેરા પરની સાદગી અને સૌમ્યતા દર્શકોનું ધ્યાન ખેંચી રહી છે. માતા સીતાના પાત્રમાં તેમનો આ અંદાજ ચાહકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.


