કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદથી વ્યાપક નુકસાની

કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદથી વ્યાપક નુકસાની

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૩
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં શનિવારે બપોરે એકાએક ધોધમાર કમોસમી વરસાદ વરસતા કફોડી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. કલ્યાણપુર તાલુકામાં શનિવારે બપોરે આશરે બે વાગ્યાના સમય એકાએક વાતાવરણ પલટાયું હતું અને ઘટાટોપ માહોલ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે કલ્યાણપુર તાલુકાના રાજપરા, ખાખરડા, ભાટિયા સહિતના જુદા જુદા ગામોમાં ધોધમાર વરસાદ વરસતા માર્ગો જાણે નદી બન્યા હતા. વીજળીના ગડગડાટ સાથે આ કમોસમી વરસાદના કારણે ખેતરમાં રાખવામાં આવેલા પથરા તેમજ પશુ ખોરાક પલળી જતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આટલું જ નહીં, ઠેર ઠેર પૂર જેવા પાણી વહેતા એકાએક સર્જાયેલી આ પરિસ્થિતિમાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. આ વિસ્તારોમાં પવન સાથે કરા પણ વરસતા ખાસ કરીને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અને જાણે મોઢે આવેલો અડધો કોળીયો પણ ઝૂંટવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. કલ્યાણપુરમાં સરકારી ચોપડે બે મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ખંભાળિયા તાલુકાના કેટલા ગામોમાં પણ હળવા છાંટા વરસ્યા હોવાનું જાણવા મળ્યું છે.