ICA ગ્લોબલ બોર્ડમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયેલા ઇફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીનું ખેતી બેંક ખાતે ભવ્ય સન્માન
અમદાવાદ તા. ૪
ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ના ગ્લોબલ બોર્ડમાં ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવવા બદલ ઇફ્કોના ચેરમેન અને સહકારી ક્ષેત્રના અગ્રણી શ્રી દિલીપભાઈ સંઘાણીનું અમદાવાદ સ્થિત ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિ. (ખેતી બેંક)ની વડી કચેરી, આશ્રમરોડ, અમદાવાદ ખાતે ભવ્ય સ્વાગત સન્માન સમારોહ યોજાયો હતો.
આ સન્માન સમારોહનું આયોજન ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું, જેમાં બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી દિલીપભાઈ સંઘાણીને વિશાળ પુષ્પહાર પહેરાવી અને મોમેન્ટો અર્પણ કરી તેમની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રાપ્ત થયેલી સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. દિલીપભાઈ સંઘાણીએ બેંકની વડી કચેરીના પ્રાંગણમાં સ્થાપીત બેંકના સ્થાપક ચેરમેન પદ્મશ્રી ઉદયભાણસિંહજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આ પ્રસંગે શ્રી દિલીપભાઈ સંઘાણીએ ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સના તમામ સભ્યો દ્વારા કરવામાં આવેલા આત્મીય સ્વાગત અને સન્માન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે શ્રી ડોલરભાઈ કોટેચાના સક્ષમ નેતૃત્વ હેઠળ ખેતી બેંક દ્વારા થઈ રહેલી પ્રગતિ અને સહકારી ક્ષેત્રમાં બેંકની કામગીરીની પ્રશંસા કરી હતી.
ICA ગ્લોબલ બોર્ડમાં ડિરેક્ટર તરીકે શ્રી દિલીપભાઈ સંઘાણીની પસંદગીએ સમગ્ર ગુજરાત અને ભારતીય સહકારી ક્ષેત્ર માટે ગૌરવની બાબત છે. આ સન્માન સમારોહ તેમની આંતરરાષ્ટ્રીય સિદ્ધિની ખુશીમાં સહકારી પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આત્મીયતા, એકતા અને સન્માનની ભાવનાનું પ્રતીક બન્યો હતો.


