માનવતાની અનોખી દિવાળી : જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સ્ટાફે રક્તદાન કરી દર્દીઓના જીવનમાં પ્રગટાવ્યો આશાનો દીપ

માનવતાની અનોખી દિવાળી : જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સ્ટાફે રક્તદાન કરી દર્દીઓના જીવનમાં પ્રગટાવ્યો આશાનો દીપ

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૪
દિવાળી એટલે પ્રકાશ, ઉલ્લાસ અને ખુશીઓનો તહેવાર. જ્યારે આખો દેશ પોતાના પરિવારો સાથે તહેવારની ઉજવણીમાં વ્યસ્ત છે, ત્યારે જૂનાગઢની સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સ અને તબીબી સ્ટાફે માનવતાની એક અદભુત મિસાલ કાયમ કરી છે. હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા અસહાય દર્દીઓના હિતાર્થે સ્ટાફ દ્વારા એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર્સથી લઈને વર્ગ-૪ ના કર્મચારીઓએ સાથે મળીને ‘રક્તદાન મહાદાન‘ના સૂત્રને સાર્થક કર્યું છે. સામાન્ય રીતે દિવાળીના વેકેશન અને તહેવારોના દિવસોમાં સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન ખૂબ ઓછું થઈ જતું હોય છે. આ દિવસોમાં નિયમિત રક્તદાતાઓ પણ તહેવારની મજામાં વ્યસ્ત હોવાથી લોહીની અછત વર્તાવવાની સંભાવના રહે છે. દર્દીઓની આ પીડાને સમજીને સિવિલ હોસ્પિટલના ર્નસિંગ સ્ટાફે પોતે જ જવાબદારી ઉપાડી અને આ વિશેષ કેમ્પનું આયોજન કર્યું. હોસ્પિટલના સ્ટાફના આ સેવાયજ્ઞને કારણે કુલ ૧૦૨ યુનિટ રક્ત એકત્ર કરવામાં સફળતા મળી છે. આ કેમ્પની સૌથી પ્રેરણાદાયી બાબત એ રહી કે માત્ર ર્નસિંગ સ્ટાફ જ નહીં, પરંતુ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ, આસિસ્ટન્ટ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ, ર્નસિંગ સુપ્રિટેન્ડેન્ટ અને આસિસ્ટન્ટ ર્નસિંગ સુપ્રિટેન્ડેન્ટ જેવા ઉચ્ચ પદાધિકારીઓએ પણ પોતે રક્તદાન કરીને સ્ટાફનો ઉત્સાહ વધાર્યો હતો. મેડિકલ કોલેજના ડોક્ટર્સ અને વર્ગ-૪ના કર્મચારીઓના સંયુક્ત પ્રયાસોથી આખો કેમ્પ એક સેવોત્સવ બની ગયો હતો. 
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટરમાં એક અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ છે, જેનું નામ છે ‘બ્લડ કોમ્પોનન્ટ્સ સેપરેશન‘ (Blood Components Separation). આ સુવિધાના કારણે એક જ વ્યક્તિ દ્વારા દાન કરવામાં આવેલા લોહીમાંથી રક્તકણો, પ્લાઝમા અને પ્લેટલેટ્સ જેવા અલગ-અલગ ઘટકો છૂટા પાડી શકાય છે. એટલે કે, તમારું એક નાનકડું રક્તદાન, ચાર ગંભીર દર્દીઓને નવું જીવન આપી શકે છે. તબીબોના જણાવ્યા અનુસાર, દરેક પુખ્ત વયની અને સ્વસ્થ વ્યક્તિ દર ત્રણ મહિને ખૂબ જ સરળતાથી અને સુરક્ષિત રીતે રક્તદાન કરી શકે છે. રક્તદાન કરવાથી શરીરમાં નવું લોહી બને છે અને સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે. આ દિવાળીએ ફટાકડાના પ્રકાશની સાથે-સાથે ચાલો આપણે પણ કોઈ પીડાતા દર્દીના જીવનમાં નવો આશાનો દીપ પ્રગટાવીએ. સિવિલ હોસ્પિટલના સ્ટાફની આ પહેલ આપણને સંદેશ આપે છે કે સાચી દિવાળી એ જ છે, જે બીજાના ચહેરા પર સ્મિત લાવી શકે.