૨ કરોડના બજેટમાં બનેલી 'હનુમાન અંશ'ની ૪૫૨ કરોડની કમાણી, હવે રાઈટ્સને લઈને વિવાદ

ફિલ્મની જંગી સફળતા બાદ નિર્માતા અને નિર્દેશક વચ્ચે ક્રેડિટ, OTT અને અન્ય અધિકારો મુદ્દે મતભેદ; સિક્વલ પર પણ પડી શકે છે અસર

૨ કરોડના બજેટમાં બનેલી 'હનુમાન અંશ'ની ૪૫૨ કરોડની કમાણી, હવે રાઈટ્સને લઈને વિવાદ

મુંબઈ, તા. ૪
નીમ કરોલી બાબાના જીવન અને મહિમા પર આધારિત ફિલ્મ 'હનુમાન અંશ'એ બોક્સ ઓફિસ પર નોંધપાત્ર સફળતા મેળવી છે. માત્ર ૨ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં ૪૫૨.૮૬ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હોવાનો અહેવાલ છે. જોકે, ફિલ્મની આ જંગી સફળતા વચ્ચે હવે તેના નિર્માતાઓ અને દિગ્દર્શક વચ્ચે ફિલ્મની ક્રેડિટ અને વિવિધ અધિકારોને લઈને આંતરિક વિવાદ સામે આવ્યો છે.
ફિલ્મ રિલીઝ થયા બાદ તેમાં ૨૧ વર્ષની ઉંમરે રોકાણ કરનારી સહ-નિર્માતા અનુપ્રિયા નાગર ચર્ચામાં આવી હતી. અહેવાલો અનુસાર, ફિલ્મના પ્રમોશન દરમિયાન અન્ય નિર્માતાઓ અને દિગ્દર્શકની સરખામણીએ અનુપ્રિયા નાગરને વધુ મહત્ત્વ આપવામાં આવતું હોવાની લાગણીને કારણે ટીમમાં નારાજગી ઊભી થઈ હતી. આ મતભેદ હવે એટલા વધી ગયા હોવાનું કહેવાય છે કે તેની અસર ફિલ્મના સંભવિત બીજા ભાગ એટલે કે સિક્વલ પર પણ પડી શકે છે.
વિવાદ વકરતાં ફિલ્મના દિગ્દર્શક ડૉ. વિશાલ ચતુર્વેદી અને નિર્માતા નમ્રતા જી. સિંહે 'સ્વામ્બુ મીડિયા નેટવર્ક' તરફથી સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. તેમાં બંનેએ પોતાને કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગણાવ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે કંપની વતી પબ્લિક રિલેશન્સ, માર્કેટિંગ, એવોર્ડ્સ તથા ભાગીદારી સંબંધિત તમામ નિર્ણયો લેવાનો સત્તાવાર અધિકાર તેમની પાસે રહેશે.
નિવેદનમાં જણાવાયું છે કે એક વ્યક્તિ ફિલ્મ સંબંધિત અધિકારો અંગે પોતાને અધિકૃત ગણાવી રહી હોવાની બાબત ધ્યાનમાં આવી છે, જોકે કોઈ એક વ્યક્તિને આવા વિશેષ અધિકારો આપવામાં આવ્યા નથી. ફિલ્મના થિયેટ્રિકલ, સ્ટ્રીમિંગ, મ્યુઝિક, સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગ, ગેમિંગ અને લાઇસન્સિંગ સહિતના તમામ અધિકારો અંગેના નિર્ણયો અગાઉ થયેલા પરસ્પર કરારો મુજબ જ લેવામાં આવશે.
આમ, બોક્સ ઓફિસ પર અસાધારણ સફળતા મેળવનારી 'હનુમાન અંશ' હવે ફિલ્મની ક્રેડિટ અને અધિકારોને લઈને સર્જાયેલા મતભેદને કારણે ચર્ચામાં આવી છે.