જૂનાગઢ જિલ્લામાં પર્યાવરણના જતનના સંદેશ સાથે લોકશાહીના પર્વની ઉજવણી
જૂનાગઢ તા.27
લોકશાહીના પર્વમાં નાગરિકોની ભાગીદારી વધારવા અને સાથે સાથે પર્યાવરણીય મૂલ્યોનું જતન કરવાના ઉમદા હેતુ સાથે જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વિશેષ ગ્રીન બૂથ એટલે કે પર્યાવરણના જતનના સંદેશ આપતા મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. આ ગ્રીન બૂથ દ્વારા મતદારોને લોકશાહીના જતન સાથે પ્રકૃતિના જતનનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો છે.
જિલ્લામાં ખાસ ઊભા કરવામાં આવેલા આ ગ્રીન મતદાન મથકોને કુદરતી વસ્તુઓ અને છોડ-રોપાઓ દ્વારા શણગારવામાં આવ્યા છે. જે મતદારોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ સાબિત થયા હતાં.
મથકની અંદરની સજાવટમાં પ્રાકૃતિક તત્વોનો સમાવેશ કરી મતદાન કરવા આવતા મતદારોને સુખદ અને એક નવો અનુભવ થયો હતો.
પોતાનો પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા આવેલા મતદારોએ જિલ્લા વહીવટી તંત્રના આ પ્રયાસને વરિષ્ઠ નાગરિકોથી માંડીને યુવા મતદારોએ ગ્રીન બૂથ બનાવવાના આ અભિગમને આવકાર્યો હતો.
જૂનાગઢ જિલ્લામાં વંથલીના શાપુર કુમાર પે સેન્ટર શાળા ખાતે, માણાવદરમાં પ્રાથમિક શાળા ખખાવી, જૂનાગઢના વડાલ ગામે એ. જી. હાઇસ્કુલ, મેંદરડામાં માનપુર, કેશોદમાં કુમાર પ્રાથમિક શાળા ચર અને માંગરોળમાં પ્રાથમિક શાળા ઢેલાણા ખાતે ગ્રીન મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા.


