જૂનાગઢમાં રસ્તાનાં કામોમાં બેદરકારી દાખવનાર બે એજન્સીને કમિશ્નરે દંડ ફટકાર્યો

આઝાદ ચોક ખાતે રોડ ધોવાણ તેમજ અકસ્માતનાં બનાવ અંગે કડક પગલા

જૂનાગઢમાં રસ્તાનાં કામોમાં બેદરકારી દાખવનાર બે એજન્સીને કમિશ્નરે દંડ ફટકાર્યો

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.4
જૂનાગઢના આઝાદ ચોક વિસ્તારમાં ગત તા.2-7-2026ના રોજ સવારે ચાલુ વરસાદ દરમ્યાન એક બાઇક સવાર ખાડામાં સ્લીપ થઇ જવાનો બનાવ બનવા પામ્યો હતો. જેની ગંભીરતાને ધ્યાને લઇ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી સંબંધિત જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. કમિશ્નરના આદેશથી કામગીરીની મુખ્ય કોન્ટ્રાક્ટર એજન્સી વિ.સી. પ્રોજેક્ટ & ઇન્ફ્રા પ્રા. લી. -અમરેલીને કામમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ રૂા.1,50,000નો ભારે દંડ ફટકારવામાં આવ્યો છે, તેમજ એજન્સીને નોટિસ પાઠવી તેમના સાઇટ એન્જીનીયરને તાત્કાલિક અસરથી ફરજ પરથી દૂર કરવા આદેશ કરાયો છે. આ ઉપરાંત, પ્રોજેક્ટ મોનિટરિંગ કન્સલ્ટન્ટ(PMC) એજન્સી ગ્રીન ડીઝાઇન & એન્જીનિયરીંગ સર્વીસ પ્રા. લી. - સુરતને પણ સુપરવિઝનમાં ક્ષતિ બદલ રૂા.75,000નો દંડ કરી નોટિસ પાઠવી ખુલાસો આપવા તેમજ તેમના લગત સાઇટ ઇજનેરને તાત્કાલિક હટાવવા સૂચના આપવામાં આવેલ છે. આમ,મહાનગર પાલિકા, જૂનાગઢ દ્વારા કુલ રૂા.2,25,000/-નો દંડ ફટકારવામાં આવેલ છે. તેમજ મહાનગર પાલીકા, જૂનાગઢ દ્વારા વધુ એક કડક પગલું ભરીને વોટરવર્ક્સ શાખાના પ્રોજેક્ટ ઇજનેર અને કાર્યપાલક ઇજનેર (વોટરવર્ક્સ)ને પણ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. તેમજ બનાવના સ્થળે તાત્કાલિક પુન: વેટમિક્સ મટીરીયલ ભરી, પ્રોપર કમ્પેકશન કરી પોટ-હોલ ફિલિંગની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવામાં આવી છે. હાલ સ્થળ પર મહાનગરપાલિકા અને PMCના ટેકનિકલ ઇજનેરો દ્વારા તપાસ ચાલુ હોવાથી સુરક્ષાના ભાગરૂપે યોગ્ય બેરીકેટીંગ કરીને વાહન વ્યવહાર હંગામી ધોરણે બંધ રાખવામાં આવ્યો છે. આ સ્થળ પર પાણીની પાઇપલાઇન કનેક્શનની કામગીરી ચાલતી હતી, જેમાં નવાબી કાળની કમાનવાળી ગટર, પીજીવીસીએલ, બીએસએનએલ, જીઓ કેબલ્સ તેમજ અન્ય અંડરગ્રાઉન્ડ યુટિલિટીઝ લાઇન હોવાના કારણે તેમજ ધમધમતો માર્કેટ એરિયા હોવા છતાં, અંદાજે 15 દિવસ પૂર્વે વેટમિક્સ(WMM) મટીરીયલ ભરીને રસ્તો વાહનોની અવરજવર માટે લાયક (મોટરેબલ) કરવામાં આવ્યો હતો. પરંતુ તા.1-7-2026ની રાત્રિ દરમ્યાન અતિશય વરસાદ થવાના કારણે ઢાળવાળા વિસ્તારમાં પાણીના ભારે પ્રવાહને લીધે આ વેટમિક્સ મટીરીયલનું ધોવાણ થયું હતું અને ત્યાં ખાડો પડ્યો હતો, જેમાં પાણી ભરાવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે, તેમજ તેઓની હાલ તબિયત સુધારા પર છે.
મનપાનાં મેયર ધર્મેશ ડી. પોંશીયા તેમજ ડે.મેયર આકાશભાઈ કટારાએ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઇ ખબર-અંતર પૂછ્યા હતા અને યોગ્ય સારવારની ખાતરી સાથે સાંત્વના પાઠવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા શહેરના તમામ નાગરિકોની સુરક્ષા અને સુવિધા માટે કટિબદ્ધ છે અને ચોમાસાની ઋતુ દરમ્યાન વિકાસ કામોમાં કોઇપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં તેમ યાદીમાં જણાવેલ છે.