સોરઠ - સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ કાતિલ ઠંડી રહેશે
જૂનાગઢ તા. ૧૬
જાન્યુઆરી માસની શરૂઆત સાથે જ જૂનાગઢ સહીત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં કાતિલ ઠંડીનો સપાટો ચાલી રહયો છે અને જનજીવન ભારે પ્રભાવિત બન્યું છે. દરમ્યાન પુર્વોતરનાં કાશ્મીર હિમાલય ક્ષેત્રની બરફ વર્ષા સાથે બર્ફીલા પવનો છેલ્લા એક સપ્તાહથી સર્વત્ર ફરી વળતા કાતિલ ઠંડીનું મોજુ પ્રસરી જતાં શિતલહેર છવાઈ ગઈ છે. દરમ્યાન ગઈકાલે જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો ગગડી જતાં હાડ ધ્રુજાવતી ઠંડીનું મોજુ છવાઈ ગયું હતું. જૂનાગઢનાં ગરવા ગીરનાર ખાતે ર.પ ડીગ્રી તાપમાન રહેતા ગીરનાર ટાઢોબોળ થયો હતો અને અહી આવનારા પ્રવાસીઓ ઠુઠવાઈ ગયા હતાં. આજે પણ વહેલી સવારે ઘુમ્મસનાં કારણે ગીરનારે વાદળોની ચાદર ઓઢી હોય તેવો નજારો જાેવા મળી રહયો છે. દરમ્યાન હવામાન વિભાગની આગાહી મુજબ હજુ બે દિવસ કાતિલ ઠંડીનું જાેર રહેશે અને ત્યારબાદ ક્રમશ: ઠંડીમાં રાહત રહેશે તેમ જાણવા મળે છે.


