જૂનાગઢમાં ટૂંક સમયમાં ટાઉનહોલ બચાવ અભિયાન

હયાત ટાઉનહોલને નજીવા ખર્ચે રીપેર કરી શકાય છે પરંતુ રૂા.૪૩ કરોડના આંધણ સાથે મનપા દ્વારા ટાઉન હોલના ચીર હરણની હીલચાલ સામે વિપક્ષ મોર્ચો ખોલશે

જૂનાગઢમાં ટૂંક સમયમાં ટાઉનહોલ બચાવ અભિયાન

જૂનાગઢ તા.૦૩
જૂનાગઢ શહેરમાં સરદાર પટેલ ચોક જીમખાના નજીક શહેરનું અમૂલ્ય નજરાણું એવા શામળદાસ ગાંધી ટાઉનહોલ વર્ષોથી અડીખમ ઉભેલ છે. ટાઉનહોલના રંગમંચ ઉપર રાજકીય કાર્યક્રમો સરકારના કાર્યક્રમો, લોકડાયરાના કાર્યક્રમો, નાટકો પણ રજુ થયા છે. સાંસ્કૃતિક કાર્યક્રમો માટેના શહેરની વચ્ચો વચ્ચ આવેલા આ ભવ્ય શામળદાસ ગાંધી ટાઉનહોલને ત્યાંથી દુર કરી એટલે કે, નવો ટાઉનહોલ બનાવવાની દીશામાં જૂનાગઢ મનપાના તંત્ર વાહકોએ નિર્ણય લીધો છે અને જેને લઈને ભારે વિરોધના સૂર ઉઠવા પામ્યા છે. તાજેતરમાં જ મહાનગરપાલીકા જૂનાગઢ દ્વારા એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને રૂા.૪૩.ર૪ કરોડના ખર્ચે ટાઉનહોલ નવો બનાવવાની કાર્યવાહી શરૂ થઈ છે જેની સામે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ દર્શાવવામાં આવેલ છે. જૂનાગઢ શહેરમાં કોર્પોરેશનના ભાજપના શાસકોની અણઆવડત કહો કે, આધેડધ નાણાના વેડફાટ કરવાની માસ્ટરી...ને લઈને અત્યાર સુધીમાં રસ્તાના કામો હોય, ગટરના કામો હોય, પાણીની પાઈપલાઈનના કામો હોય, કે નરસિંહ મહેતા સરોવરના વિકાસ સહિતના પ્રોજેકટમાં અવાર-નવાર રૂપિયાના આંધણ થાય છે. સરદાર ચોક ખાતે ઉભેલો ટાઉનહોલ ર૦૧૭માં ૪ કરોડથી વધુના ખર્ચે રીનોવેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ર૦ર૪માં રીનોવેશન થયેલા આ ટાઉનહોલને જાેખમી ગણાવી અને બંધ કરવાની મનપાના શાસકોએ પેરવી કરી છે. પરંતુ બંધ કરવાના ટાકણે જ ૮૦ લાખ રૂપિયાના ખર્ચે નવા નકોર એસી પણ ફીટ કરી દીધા હતા. આમ રૂપિયાનો આડેધડ વેડફાટ થઈ રહ્યો છે. દરમ્યાન મનપાની નીતિ રીતી સામે વિરોધપક્ષ મોરચા ખોલીને બેઠેલ છે. વિરોધપક્ષના નેતા લલીત પણસારા એ તિવ્ર આક્રોશ સાથે જણાવ્યું હતું કે, જે ટાઉનહોલ હયાત છે તેમાં માત્ર ને માત્ર નજીવા રીનોવેશનના ખર્ચ સાથે આ ટાઉનહોલને લોકાર્પણ કરી શકાય તેમ છે. ટાઉનહોલનું રીનોવેશન કરવું નથી પરંતુ નવો જ ટાઉનહોલ ઉભો કરવાની કામગીરી કોર્પોરેશનના તંત્ર વાહકો જયારે કરી રહ્યા છે ત્યારે તેની સામે અમારો સંપૂર્ણ વિરોધ છે. આગામી દિવસોમાં જ શહેરના આભુષણ સમા ટાઉનહોલને બચાવવા માટેનું એક અભિયાન અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને અમારા આ અભિયાનને આમ જનતા પણ સંપૂર્ણ સહયોગ આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ સરદાર ચોકમાં આવેલા ટાઉનહોલને રદ્દબાતલ કરી અને નવો ટાઉનહોલ એ પણ ૪૩ કરોડ રૂપિયા જેવો ખર્ચ કરી બનાવવાની હીલચાલ અને તખ્તો મનપા દ્વારા ગોઠવાયો છે તે અંગે પણ લોકોમાં અવનવી ચર્ચા અને તર્કો ઉઠી રહ્યા છે. લોકોમાં એક એવી ચર્ચા પણ ઉઠે છે કે, શું નાણા ઉસેઠવાનું આ કાવતરૂ છે ? અને એના માટે જ નવો ટાઉનહોલ બનાવવાની કામગીરી ચાલુ થઈ છે ? તો બીજી એવી પણ ચર્ચા થાય છે કે, જે જગ્યાએ ટાઉનહોલ આજે હયાત છે તે જગ્યાનો લાભ કોઈને આપવા માટેતો આ ખેલ પાડવામાં નથી આવી રહ્યો ને ? એવો સવાલ પણ આજે ચર્ચાના ચકડોળે ઉઠવા પામેલ છે.