આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને દક્ષિણી થીમની સાથે એમ્બ્રોઇડરી વર્ક ડિઝાઈનવાળા વાઘાનો દિવ્ય શણગાર અને ૨૫૧ કિલો ગુંદરપાક, ખજૂરપાક, અડદિયો અને મેંથીના લાડુંનો મિક્સ અન્નકૂટ ધરાવાયો
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૩
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણા વાળા)ની પ્રેરણાથીધનુર્માસ પૂનમ એવમ્ શનિવારે કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને આજે તારીખ ૩-૧-૨૦૨૬, શનિવારના રોજ અત્યંત ભવ્ય અને પરંપરાગત "દક્ષિણી થીમ" (South Indian Theme) પર વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના સિંહાસન અને ગર્ભગૃહને દક્ષિણ ભારતીય મંદિરોની પરંપરા મુજબ કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું.હનુમાનજી દાદાને એમ્બ્રોઇડરી વર્ક સાથેના ફૂલની ડિઝાઈનવાળા અત્યંત આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા હતા. દાદાને રીયલ ડાયમંડનો મુગટ પહેરાવી, તાજા ગુલાબ અને શેવંતીના ફૂલોનો અદભૂત શણગાર કરી આખું મંદિર ભક્તિમય બનાવવામાં આવ્યું હતું. આજના પવિત્ર શનિવારે વહેલી સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી અને ત્યારબાદ સવારે ૭:૦૦ કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. કષ્ટભંજનદેવ હનુમાનજીને દક્ષિણી થીમની સાથે એમ્બ્રોઇડરી વર્ક ડિઝાઈનવાળા વાઘાનોદિવ્ય શણગાર અને ૨૫૧ કિલો ગુંદરપાક, ખજૂરપાક, અડદિયો અને મેંથીના લાડુંનો મિક્સ અન્નકૂટ ધરાવાયો. આ દક્ષિણી શૈલીના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. સાંજે ૪:૩૦કલાકે પૂનમ નિમિતે દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. વિશેષમાં, મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.પવિત્ર ધનુર્માસ તા.૧૬ડિસેમ્બર ૨૦૨૫ થી તા.૧૪જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન પારિવારિક શાંતિ માટે તેમજ વિશ્વ કલ્યાણ અર્થેશ્રી હરિ મંદિરમાં “હનુમાન ચાલીસાના પાઠ” તેમજ “ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરૂ ફટ્ સ્વાહા” પાઠનો જપ યજ્ઞપ્રારંભકરવામાં છે. સવારે ૭ થી ૧૨ અને સાંજે ૩ થી ૬:૩૦ કલાક દરમિયાન દરરોજ કરવામાં આવે છે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.


