દ્વારકામાં માતા-પુત્ર આપઘાત પ્રકરણની વિગતો સામે આવી
પુત્ર સાથે પતિએ તરછોડી દેતા દ્વારકાની મહિલાએ પુત્ર સાથે આપઘાત કર્યો
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૬
દ્વારકામાં એક મહિલાએ પોતાના પુત્ર સાથે દીવાદાંડી પરથી આપઘાત કર્યાનો ચકચારી બનાવ બનવા પામ્યો હતો. આ પ્રકરણમાં મૃતક મહિલાને પોતાના પતિએ તરછોડી દેતા તેમજ પિતાએ પણ કવેણ કહેતા તેણે આ પગલું ભર્યું હોવાનું ખુલવા પામ્યું છે. દ્વારકા પંથકમાં ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ દ્વારકામાં આવેલી દીવાદાંડી પરથી રવિવારે એક મહિલાએ પોતાના પુત્ર સાથે ઝંપલાવીને આપઘાત કર્યો હોવાનો બનાવ બનવા પામ્યો હતો. જેમાં દ્વારકાના ટી.વી. સ્ટેશન વિસ્તારમાં રહેતા સોયનાબેન મયુર સોલંકી નામની ૩૦ વર્ષની મહિલાએ પોતાના આઠ વર્ષના પુત્ર મયંક સાથે દ્વારકામાં દીવાદાંડીની ત્રીજી બારીએથી આપઘાત કર્યાનું જાહેર થયું હતું. આ પ્રકરણમાં વધુ જાહેર થયેલી વિગત મુજબ સોયનાબેનને તેણીના પતિ મયુર સાથે છેલ્લા આશરે નવેક વર્ષથી અણબનાવ જેવું હતું અને તેણી પોતાના પતિને અવારનવાર સમજાવી અને સાથે રહેવા વિનંતી કરતી હતી. પરંતુ મયુરને માતા-પુત્ર જોઈતા ન હોય, તેમ કહી ત્રાસ ગુજારવામાં આવતો હતો. જેના કારણે તેણી છેલ્લા ઘણા સમયથી વ્યથિત અને પરેશાન રહેતી હતી. આ પરિસ્થિતિમાં સોયનાબેને પોતાના પિતા મસરીભાઈ રામશીભાઈ ગામીને તેણીના પતિને સમજાવવાનું કહેતા પિતા મસરીભાઈ ગામીએ તેણીને દવા પીને મરી જવાનું મેણું માર્યું હતું. આ પરિસ્થિતિમાં સોયનાબેનને મનમાં લાગી તેમણે રવિવારે સાંજે દીવાદાંડીની ત્રીજી બારીએથી પુત્ર સાથે આપઘાત કરી લીધો હતો. આપઘાતના આ બનાવ સંદર્ભે મરી જવા માટે મજબૂર કરવા સબબ મૃતક સોયનાબેનના પિતા મસરીભાઈ રામશીભાઈ ગામી તથા તેણીના પતિ મયુર મશરીભાઈ સોલંકી (રહે. હનુમાનધાર, રાવલ, તા. કલ્યાણપુર) સામે બી.એન.એસ. ની કલમ ૧૦૮ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. મૃતક સોયનાબેને આપઘાત પૂર્વે પોતાના પુત્ર મયંકને દીવાદાંડી નીચે ફેકી દઈને પોતાના દીકરાનું મોત નિપજાવવા બદલ તેમની સામે પણ બી.એન.એસ. ની કલમ ૧૦૩ (૧) હત્યાના ગુના સબબની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં આગળની તપાસ દ્વારકાના પી.આઈ. આકાશ બારસીયા ચલાવી રહ્યા છે.


