ફરવાના સ્થળ તરીકે જૂનાગઢ પ્રવાસીઓ માટે હોટ ફેવરીટ

જૂનાગઢ શહેરને અડીને આવેલ ગરવો ગિરનાર, ધાર્મિક સ્થળો તેમજ ઐતિહાસિક અને ફરવા લાયક સ્થળોમાં કાયમી પ્રવાસીઓનો રહેતો ધસારો : તહેવારો અને વેકેશનમાં તો હજારો પ્રવાસીઓ ઉમટી પડે છે

ફરવાના સ્થળ તરીકે જૂનાગઢ પ્રવાસીઓ માટે હોટ ફેવરીટ

જૂનાગઢ તા. ૬
જૂનાગઢ શહેર  એક પર્યટન ધામ તરીકે વિકાસ પામી રહયું છે. તેમજ દુર-દુરથી આવેલ પ્રવાસીઓને કારણે ધાર્મીક, ઐતિહાસિક  અને ફરવા લાયક સ્થળો મુલાકાતીઓથી ભરચક્ક જાેવા મળે છે. આજે સ્થિતી એ રહી છે કે પ્રવાસી જનતા માટે જૂનાગઢ ફરવા માટેનું હોટ ફેવરીટ સ્થળ બની ગયું છે. 
જૂનાગઢ શહેરમાં બહારથી આવતા મુલાકાતીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. દુનિયાભરનાં પ્રવાસીઓને જાણે આપણું જૂનાગઢ શહેર અને તેનાં ઐતિહાસિક ધાર્મિક અને ફરવા લાયક સ્થળો જાણે આકર્ષી રહયા હોય તેમ લોકો આવતા જ રહે છે. એક અંદાજ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં જૂનાગઢ શહેરમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. 
જૂનાગઢ શહેરમાં આવેલા ઐતિહાસિક ઉપરકોટ, મકબરો, સકકરબાગ સહીતનાં સ્થળો તેમજ જૂનાગઢને જ અડીને આવેલ ગરવો ગિરનાર અને ગિરનારની યાત્રા, અંબાજી માતાજી મંદિર, ભગવાન ગુરૂ દત્તાત્રેય (દત્ત શિખર) જૈનોનાં ધર્મસ્થાનો ભવનાથ મહાદેવ, રાધા દામોદરજી મંદિર, દામોકુંડ, વાઘેશ્વરી મંદિર તેમજ ઉપલા દાતાર બાપુની જગ્યા સહીતનાં ધાર્મિક સ્થળોએ માથુ ટેકવવા અને દર્શન માટે હજારો શ્રધ્ધાળુઓ આવે છે આ ઉપરાંત પૂ.દાતાર બાપુનો ઉર્ષ તેમાં પણ દુર-દુરથી ભાવિકો ઉમટી પડે છે. આ સાથે જ શિવરાત્રી અને પરિક્રમાના મેળામાં પણ ભાવિકો ઉમટી પડે છે. સૌરાષ્ટ્રના પ્રવાસે  આવતા પ્રવાસીઓને ગરવા ગિરનારની ગીરીકંદરાઓ જાણે સાદ પાડીને બોલાવતી હોય તેમ લાગે છે. કુદરતી સૌંદર્ય ધરાવતી  ગિરનારની ગીરીકંદરાઓ તેમજ ભવનાથમાં પ્રવેશતાની સાથે જ આધ્યાત્મિકતાની અનુભુતી થતી હોય છે. આ ઉપરાંત ધાર્મિક સ્થાનોમાં સંતોના દર્શનનો લ્હાવો મળે છે.  તેમજ અહીં આવનાર શ્રધ્ધાળુઓને માટે ધાર્મિક સ્થાનોમાં પ્રસાદની પણ વ્યવસ્થા થતી હોય છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર કે જે જવાહર રોડ ઉપર આવેલ છે તેમજ બીએપીએસ અક્ષરવાડી  ખાતે પણ ભાવિકો દર્શનાર્થે આવે છે. 
જૂનાગઢ શહેર એવું છે કે, જયાં ઐતિહાસિક, ધાર્મિક અને ફરવા લાયક સ્થળો આવેલા છે.  માટે આ શહેરની મુલાકાતે આવેલા પ્રવાસીઓ અહીં રોકાણ પણકરે છે. તેમજ શહેરની આસપાસના પ૦ કિ.મી.માં આવતા બિલખા, સાસણ, સોમનાથ, સતાધાર, પરબ સહીતનાં ધામોમાં પણ પ્રવાસીઓ જૂનાગઢની મુલાકાતઅને મહેમાનગતિ માણી જતા હોય છે. આમ જૂનાગઢ શહેર પ્રવાસી જનતા માટે હોટ ફેવરીટ બની ગયંુ છે તેમજ આસપાસનાં નજીકનાં સ્થળો જવા માટેનું એપી સેન્ટર  પણ જૂનાગઢ શહેર ગણાય છે. જૂનાગઢ શહેરમાં પ્રવાસન ક્ષેત્રનાં વિકાસની વિપુલ તક રહેલી છે.