સાઉદી અરબના બે એરપોર્ટ પર હુતીઓનો હુમલો : ૩ના મોત
(એજન્સી) રીયાધ તા.૮
સાઉદી અરબના બે એરપોર્ટ્સ પર હૂતી બળવાખોરોએ ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા છે. જેમાં ૩ લોકોનાં મોત થયાં છે. તે સાથે જ ૩૬ લોકો ઘાયલ પણ થયા છે. સાઉદી અરબની જનરલ ઓથોરિટી ઑફ સિવિલ એવિએશન (GACA)એ બુધવારે આ માહિતી આપી હતી. અબહા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટને ૬ અને ૭ ઑક્ટોબરે નિશાન બનાવવામાં આવ્યા હતા. હૂતી બળવાખોરોએ બંને હુમલાની જવાબદારી સ્વીકારી છે. અબહા એરપોર્ટ પરના હુમલામાં એક મોરોક્કન નાગરિક અને એક અલ્જેરિયન રહેવાસીનું મોત થયું હતું. ૨૮ લોકો ઘાયલ થયા, જેમાં સાઉદી, બાંગ્લાદેશી અને ફિલિપિન્સના નાગરિકો સામેલ છે.
કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક સુદાનના નાગરિકનું મોત થયું. અહીં ૮ લોકો ઘાયલ થયા, જેમાં ૫ાંચ સાઉદી નાગરિકો, ઇજિપ્તના બે રહેવાસીઓ અને એક પાકિસ્તાની નાગરીક સામેલ છે.


