જૂનાગઢમાં SGFI રાજ્યકક્ષાની બહેનોની ચેસ સ્પર્ધા, અન્ડર-14ના ટોપ-5 ખેલાડીઓ હવે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું કરશે પ્રતિનિધિત્વ
સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 5થી 9 ઓક્ટોબર દરમિયાન રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન; અન્ડર-14માં અમદાવાદ શહેરની વીની ગાંધી પ્રથમ, ભરૂચની રાજવી શુક્લા દ્વિતીય અને વડોદરાની માઘવી ઘોષ તૃતીય ક્રમે
જૂનાગઢ, તા.૦૭
જૂનાગઢમાં SGFI અંતર્ગત રાજ્યકક્ષાની બહેનો માટેની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી જિલ્લા કક્ષાએ વિજેતા બનેલી પ્રતિભાશાળી ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. અન્ડર-14 કેટેગરીની સ્પર્ધામાં પ્રથમ પાંચ સ્થાન મેળવનારી ખેલાડીઓ હવે આગામી SGFI રાષ્ટ્રીય કક્ષાની ચેસ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જૂનાગઢના સંચાલન હેઠળ આ રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગત તા.05/10/2026થી શરૂ થયેલી સ્પર્ધા આગામી તા.09/10/2026 સુધી યોજાશે.
રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી જિલ્લા કક્ષાએ વિજેતા બનેલી ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. ચેસ બોર્ડ પર ખેલાડીઓએ પોતાની એકાગ્રતા, વ્યૂહરચના અને રમત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધા દરમિયાન ખેલાડીઓમાં ખેલદિલીની ભાવના અને સ્પર્ધાત્મક અભિગમ જોવા મળ્યો હતો.
સ્પર્ધા અંતર્ગત યોજાયેલી અન્ડર-14 બહેનોની કેટેગરીમાં ખેલાડીઓ વચ્ચે સ્પર્ધાત્મક મુકાબલા જોવા મળ્યા હતા. અંતે પ્રથમ પાંચ સ્થાન મેળવનારી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.
અન્ડર-14 કેટેગરીમાં અમદાવાદ શહેરની વીની ગાંધીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ભરૂચની રાજવી શુક્લાએ દ્વિતીય જ્યારે વડોદરાની માઘવી ઘોષે તૃતીય સ્થાન મેળવ્યું હતું. અમદાવાદ ગ્રામ્યની કવીસા પી. આડેસરાએ ચોથું અને સુરતની આધ્યા ડીઓએ પાંચમું સ્થાન મેળવી રાજ્યકક્ષાની સ્પર્ધામાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો.
રાજ્યકક્ષાની સ્પર્ધામાં ટોપ-5માં સ્થાન મેળવનારી આ ખેલાડીઓ હવે આગામી SGFI રાષ્ટ્રીય કક્ષાની ચેસ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવવાની સાથે રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગુજરાતનું ગૌરવ વધારવા માટે શુભકામનાઓ આપવામાં આવી હતી.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલી ખેલાડીઓને સ્પર્ધા દરમિયાન જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જૂનાગઢ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સમગ્ર સ્પર્ધાના આયોજન અને સંચાલનમાં અધિકારીઓ, કર્મચારીઓ, આર્બીટર્સ તેમજ સહયોગી સંસ્થાઓ કામગીરી કરી રહી છે.
સ્પર્ધા દરમિયાન ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ચંદુભાઈ મકવાણા, ગૌરવભાઈ રૂપારેલીયા, જીગ્નેશભાઈ ચાવડા, હમીરસિંહ વાળા અને ભરતભાઈ ભેટારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેલાડીઓને પ્રોત્સાહિત કરી આગામી સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
જૂનાગઢમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની સ્પર્ધા દ્વારા વિવિધ જિલ્લાની પ્રતિભાશાળી મહિલા ચેસ ખેલાડીઓને એક જ મંચ પર પોતાની રમતનું કૌશલ્ય દર્શાવવાની તક મળી છે. ખાસ કરીને અન્ડર-14 કેટેગરીમાંથી રાષ્ટ્રીય કક્ષા માટે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારી પાંચ ખેલાડીઓની પસંદગી થતાં હવે તેમની નજર આગામી રાષ્ટ્રીય સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર રહેશે.
આ અંગેની વિગતો જિલ્લા રમત ગમત અધિકારી મનીષકુમાર જીલડીયા, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢની અખબારી યાદીમાં જણાવવામાં આવી છે.


