વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની જૂનાગઢ વિભાગનું માણાવદર પ્રખંડમાં દુર્ગાવાહિનીનું ભવ્ય શક્તિ સંચલન યોજાયું
(પ્રતિનિધિ દ્વારા)
માણાવદર, તા.૬
વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની, જૂનાગઢ વિભાગ દ્વારા માણાવદર પ્રખંડ ખાતે રવિવારે ભવ્ય શક્તિ સંચલન યોજાયું હતું પ્રજાપતિ સમાજની વાડી ખાતેથી શરૂ થયેલા આ સંચલનમાં જૂનાગઢ મહાનગર, જૂનાગઢ ગ્રામ્ય, કેશોદ, પોરબંદર અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમના પ્રારંભે અખિલ ભારતીય દુર્ગાવાહિની સહ સંયોજિકા મા.શ્રી પિંકીજી પવાર, પ્રેમિલા માતાજી, માણાવદર તાલુકાના મામલતદાર શ્રી શુક્લ સાહેબ તથા પદાધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મા. શ્રી પિંકીજી પવારે બહેનોને માર્ગદર્શન આપતાં વિશ્વ હિન્દુ પરિષદના પુરોધા અને હિન્દુ હૃદય સમ્રાટ શ્રદ્ધેય અશોકજી સિંહલજીની જન્મ શતાબ્દી નિમિત્તે તેમના જીવન અને સમાજલક્ષી કાર્યોને યાદ કર્યા હતા. ખાસ કરીને સામાજિક સમરસતા, એકતા અને સમાજને સંગઠિત કરવાની દિશામાં અશોકજી સિંહલજીના યોગદાનને યાદ કરી તેમના વિચારોને આગળ ધપાવવા બહેનોને પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સમાજમાં સમરસતા, એકતા અને સકારાત્મક પરિવર્તન માટે નારીશક્તિની ભૂમિકા મહત્વપૂર્ણ છે.
બહેનો સંગઠિત રહી સમાજજીવનમાં સક્રિય અને રચનાત્મક ભૂમિકા ભજવે તે માટે તેમણે આહ્વાન કર્યું હતું. સાથે જ મહિલાઓમાં આત્મવિશ્વાસ, સ્વાવલંબન, શિસ્ત અને આત્મરક્ષણની જાગૃતિ કેળવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ શિસ્તબદ્ધ રીતે યોજાયેલા શક્તિ સંચલનમાં દુર્ગાવાહિનીની બહેનોએ ગણવેશમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સંચલન દરમિયાન સંગઠન, શિસ્ત, આત્મવિશ્વાસ, સામાજિક જાગૃતિ અને નારીશક્તિના સશક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે દુર્ગાવાહિની પ્રાંત સંયોજિકા ખુશ્બુબેન દતાણી, પ્રાંત સહ સંયોજિકા પદમાબેન બરછા, સહ સંયોજિકા વૈશાલીબેન ર્નિમળ, દુર્ગા પ્રાંત ટોળી સદસ્ય ધરતીબેન વિસાવાડિયા, પૂર્ણકાલીન પારૂલબેન ગઢવી સહિત પ્રાંત, વિભાગ અને વિવિધ જિલ્લાઓના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


