નવરાત્રીમાં અસામાજીક તત્વો પર પોલીસની બાજ નજર રહેશે

શહેર-જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુચારૂરૂપથી જાળવી રાખવા એકશન પ્લાન તૈયાર

નવરાત્રીમાં અસામાજીક તત્વો પર પોલીસની બાજ નજર રહેશે

જૂનાગઢ તા.૭
જૂનાગઢ શહેર અને જીલ્લામાં નવરાત્રીનું પાવનકારી પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેમજ લોકો પણ શકિતની આરાધનાના આ પર્વને ઉમંગભેર માણી શકે અને તહેવારો દરમ્યાન સમગ્ર જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલ બની રહે તે માટેના પોલીસ વિભાગ દ્વારા કડક પગલા લેવામાં આવશે. જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ એક એકશન પ્લાન પણ ઘડી કાઢવામાં આવ્યો છે. અને તકેદારીનાં પગલાના ભાગરૂપે સમગ્ર જીલ્લામાં ઝડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
પ્રાપ્ત વિગત અનુસાર ૧૧ ઓક્ટોબરથી આદ્ય શક્તિ માતાજીની આરાધના, ઉપાસનાનું પર્વ શરૂ થઈ રહ્યું છે. જૂનાગઢ શહેર, જિલ્લામાં નવરાત્રી પર્વ દરમ્યાન પ્રાચીન, અર્વાચીન ગરબાના સ્થળોએ કાયદો વ્યવસ્થા, સુરક્ષા અને ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા અનેકવિધ પગલા જારી કરવામાં આવેલ છે. દરમ્યાન  જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ આગામી નવરાત્રી પર્વને લઈને પ્રાચીન, અર્વાચીન ગરબાના આયોજકો સાથે મિટિંગ યોજી હતી. આ બેઠકમાં આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં. જેમાં ખાસ કરીને અર્વાચીન ગરબાના સ્થળોએ સુરક્ષાના ભાગરૂપે સીસીટીવી કેમેરા, પ્રાઇવેટ સિક્યુરિટી તેમજ પાર્કીંગ વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી હતી. તેમજ નવરાત્રી દરમ્યાન પોલીસ સવાર સુધી પેટ્રોલિંગ રાખી તમામ પ્રકારની હિલચાલ અને અસામાજિક તત્વો ઉપર પણ નજર રાખવામાં આવશે. અને જેના માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ નવરાત્રી દરમ્યાન પોલીસ વિભાગનાં એકશન પ્લાન અંગે વિસ્તૃત વિગતો આપી હતી. જેમાં ખાસ કરીને જણાવ્યું હતું કે બહેન, દીકરીઓ અને મહિલાઓની સુરક્ષાને લઈને કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. તેમજ જીલ્લા પોલીસ વડાએ આમજનતાને પણ અપીલ કરતા જણાવ્યું છે કે કયાંય પણ કોઈ જાતની કનડગત થતી હોય કે અસામાજીક તત્વો, રોમીયોગીરી કરનારા તત્વો દ્વારા કોઈ હેરાનગતી થતી હોય તો તાત્કાલીક પોલીસ વિભાગનો સંપર્ક સાધવા પણ જણાવેલ છે. આ ઉપરાંત નવરાત્રી પર્વ દરમ્યાન સુરક્ષા માટેનાં વિશેષ પગલા પણ લેવામાં આવશે તે અંગે નિર્દેશ આપ્યો હતો જેમાં  પ્રાચીન, અર્વાચીન ગરબાના સ્થળોએ બહેન દીકરીઓ કે મહિલાઓ છેડતીનો ભોગ બને નહીં તે માટે ખાનગી પોશાકમાં શી ટીમ સતત ખડેપગે રહેશે અને આવારા તત્વોને પકડી તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.