આજથી જૂનાગઢ જીલ્લાનાં મહેસૂલ કર્મચારીઓની અચોકકસ મુદતની હડતાલ
૧૪ પડતર માંગણીઓ ઉકેલવાની માંગણી સાથે ધરણાનો કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ તા.૭
જૂનાગઢ જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓ દ્વારા પોતાની લાંબા સમયથી અટવાયેલી વિવિધ માંગણીઓને લઈને આંદોલનનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. એક પછી એક કાર્યક્રમો યોજાઈ રહયા છે જેમાં જિલ્લાની જુદી-જુદી ૨૫ જેટલી મહેસૂલી કચેરીઓના ૩૫૦ કરતા વધુ વર્ગ-૩ના મહેસૂલી કર્મચારીઓ સોમવારે માસ સીએલ પર ઉતરી ગયા હતા. જયારે આજે અચોકકસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી છે.
આ અંગે મળતી વિગત અનુસાર ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ અનુસાર આ હડતાલનું પગલું ભરવામાં આવ્યું છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં વર્ષ ૨૦૧૨ની સીધી ભરતીના નાયબ મામલતદારોને પ્રમોશન આપવું, તેમને પૂર્વવત સિનિયોરિટી કાયમ કરી રી-અડજસમેન્ટ ડેટ આપવી તથા ૨૦૧૨ પછીના નાયબ મામલતદારોનું સિનિયોરિટી લિસ્ટ તૈયાર કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવા જોબ ચાર્ટમાં જરૂરી સુધારા-વધારા કરવા, ૨૦૨૩ અને ૨૦૨૬ ના વર્ષમાં પ્રમોશન મેળવીને મૂળ જિલ્લાથી દૂર બદલી પામેલા તલાટીઓ તથા ક્લાર્કોને પરત તેમના મૂળ વતન કે જિલ્લામાં મોકલવા તેમજ બદલી માટેની એનઓસી (NOC) પ્રથા નાબૂદ કરવા જેવી કુલ ૧૪ જેટલી મહત્વપૂર્ણ માંગણીઓ કરવામાં આવી છે. અને છેલ્લા ૫ મહિનાથી આ બાબતે વિવિધ રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. અગાઉ સપ્ટેમ્બર માસમાં પણ હડતાલનો કાર્યક્રમ જાહેર કરાયો હતો પરંતુ, ખાતરી મળતા મોકૂફ રખાયો હતો. દરમ્યાન હજુ સુધી મહેસુલ કર્મચારીઓની માંગણીઓ અંગે કોઈ ઉકેલ ન આવતા આજથી અચોકકસ મુદત માટે હડતાલ શરૂ કરવામાં આવી છે. આજે જૂનાગઢ શહેરમાં સરદાર બાગ ખાતે ૩જા વર્ગનાં ૩પ૦થી વધુ મહેસુલી કર્મચારીઓ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને જેને કારણે મોટાભાગની કચેરીઓની કામગીરી આજે બંધ રહી હતી. અને પબ્લીક સેવાને પણ અસર પહોંચી હતી.


