રીઝર્વ બેંકે વ્યાજદર વધાર્યા : લોન મોંઘી થશે : તહેવારો પૂર્વે જટકો
(એજન્સી) મુંબઇ, તા.૭
ભારતમાં ઓછા બેંક વ્યાજદરનો યુગ ટુંકાગાળા માટે હવે સમાપ્ત થયો હોય તેમ રિઝર્વ બેંક દ્વારા આજે રેપોદરમાં ૦.૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૩ પછી પ્રથમવાર રેપોરેટ વધારવામાં આવ્યા છે જેના પગલે આવનારા દિવસોમાં હોમ-ઓટો-પર્સનલ સહિતની તમામ લોન મોંઘી થઇ શકે છે. વૈશ્વિક સંકટને કારણે મોંઘવારી સહિતના કારણોસર તહેવારો પૂર્વે જ આકરો ર્નિણય લેવામાં આવ્યો છે.
ટુંકા ગાળામાં હવે વ્યાજદરમાં ફરી ઘટાડો થશે તેવી શક્યતા પણ નકારવામાં આવી છે. રિઝર્વ બેંકની મોનેટરી પોલીસી કમીટીની ત્રણ દિવસની બેઠક બાદ આજે ગવર્નર સંજય મલ્હોત્રા દ્વારા રેપોરેટમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ૦.૨૫ ટકાના વધારા સાથે રેપોરેટ હવે ૫.૫ ટકા થશે. જ્યારે માર્જીનલ સ્ટેન્ડીંગ ફેસીલીટી તથા બેંક રેટ ૫.૭૫ ટકા થશે.
રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે, મધ્યપૂર્વ સહિતના યુધ્ધ તથા વૈશ્વિક સંકટથી મોંઘવારી સહિતના આર્થિક પ્રભાવોને કારણે રેપોરેટ વધારવામાં આવ્યો છે. ખાનગી વપરાશ મોટાભાગે જળવાયેલો છે. ફીક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ પણ મજબુત છે છતાં નોન-ડ્યુરેબલ સામાન્ય તથા ડોમેસ્ટીક કેર પેસેન્જર ટ્રાફિકમાં નબળાઇ જોવા મળી છે.
મોંઘવારીને નિયંત્રણમાં રાખવા માટે રિઝર્વ બેંકે આ ર્નિણય લીધો છે. RBIએ ૨૦૨૬-૨૦૨૭ માટે ફુગાવાના અંદાજને પણ ૫.૦ ટકા થી વધારીને ૫.૨ ટકા કર્યો છે.
રેપો રેટ તે વ્યાજ દર છે, જેના પર RBI બેંકોને ટૂંકા સમય માટે ધિરાણ આપે છે. આ દરના આધારે બેંકો પોતાની લોનના વ્યાજ દર નક્કી કરે છે. RBIની મોનિટરી પોલિસી કમિટી, એટલે કે MPC, દર બે મહિને તેની સમીક્ષા કરે છે.
મોંઘવારી પર કાબૂ મેળવવા અને બજારમાં નાણાંના પ્રવાહને નિયંત્રિત કરવા માટે RBIએ રેપો રેટ વધાર્યો છે. રેપો રેટ વધવાથી બેંકો માટે ધિરાણ મોંઘું થઈ જાય છે અને તેની અસર ગ્રાહકોની લોન પર પડી શકે છે. મોંઘી લોનને કારણે લોકો ઘર, કાર અથવા વ્યવસાય માટે ઓછું ધિરાણ લે છે અને ખર્ચ ઘટી શકે છે. તેનાથી બજારમાં માગ ઓછી થાય છે, જેથી મોંઘવારી પર કાબૂ મેળવવામાં મદદ મળે છે.


