વિજાપુરમાં પ્રેમસંબંધની શંકાની અદાવતમાં છરીથી હુમલો, યુવકના માથામાં ઘા; બચાવવા વચ્ચે પડેલા પિતરાઈ ભાઈની આંગળીઓમાં ગંભીર ઈજા
ગ્રામ પંચાયત નજીક રાત્રે બનેલી ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા; બંને ઇજાગ્રસ્તોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર, ફરિયાદના આધારે તાલુકા પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
જૂનાગઢ તા.6
જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામમાં પ્રેમસંબંધની બાબત જાહેર કરી હોવાની શંકાને લઈને મનદુઃખ રાખી બે યુવકો પર છરીથી હુમલો કરાયાની ઘટના સામે આવી છે. ફરિયાદ મુજબ ગામના જ એક શખ્સે રિક્ષામાં બેઠેલા યુવકના માથાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો, જ્યારે તેને બચાવવા વચ્ચે પડેલા તેના પિતરાઈ ભાઈ પર પણ હુમલાનો પ્રયાસ થતાં તેના હાથની આંગળીઓમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની ઈજાઓને પગલે ટાંકા લેવા પડ્યા હોવાનું જણાવાયું છે. બનાવ અંગે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવાયેલી વિગતો મુજબ વિજાપુર ગામમાં ગ્રામ પંચાયત પાસે આવેલા શિવ પાન નજીક રાત્રે આશરે પોણા નવ વાગ્યાના અરસામાં પાર્થ સુરેશભાઈ સરવૈયા (ઉં.વ.24) પોતાની રિક્ષામાં પેસેન્જરને મૂકીને આવ્યા બાદ સાહિલ દિનેશભાઈ જાદવ સાથે બેઠા હતા. આ દરમિયાન ગામનો સાગર ભનુભાઈ વાળા ત્યાં આવ્યો હતો.
આક્ષેપ મુજબ સાગરે પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી હતી અને ‘આજે આ છરી કોઈને મારવી છે’ તેમ કહી ઉશ્કેરાટભર્યું વર્તન કર્યું હતું. દરમિયાન સાહિલનો ભાઈ રવિ પણ ત્યાં આવી પહોંચતાં બોલાચાલી થઈ હતી. ફરિયાદ પ્રમાણે આ બોલાચાલી વચ્ચે સાગરે આવેશમાં આવી પાર્થના કપાળના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો, જેના કારણે પાર્થને ગંભીર ઈજા થઈ હતી.
આ સમયે પાર્થનો પિતરાઈ ભાઈ મહેશ મનસુખભાઈ સરવૈયા નજીકની દુકાને આવ્યો હતો. ઝઘડો અને હુમલો જોઈ તે પાર્થને બચાવવા માટે વચ્ચે પડ્યો હતો. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ મુજબ આરોપીએ મહેશ પર પણ છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
મહેશે હુમલાથી બચવા છરી પકડી લેતાં તેના જમણા હાથની આંગળીઓમાં ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનામાં પાર્થ અને મહેશ બંને લોહીલુહાણ થતાં તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ફરિયાદમાં વધુમાં આરોપ મૂકાયો છે કે હુમલો કર્યા બાદ સાગરે પાર્થને સાહિલ અને રવિને પોતાના વિશે ‘ચઢામણી’ કરવાનું બંધ કરવા કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ સ્થળ પરથી નાસી ગયો હતો.
આ હુમલા પાછળ પ્રેમસંબંધને લગતી શંકા અને તેના કારણે સર્જાયેલું મનદુઃખ જવાબદાર હોવાનો ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ આરોપીને ફરિયાદીના મિત્રની ભાભી સાથે પ્રેમસંબંધ હોવાની બાબત તેના પરિવારના સભ્યો સુધી પહોંચી હતી. આરોપીને શંકા હતી કે આ બાબત પાર્થ દ્વારા જાહેર કરવામાં આવી છે અને આ જ મુદ્દે તે પાર્થ પ્રત્યે અદાવત રાખતો હતો.
આ જ મનદુઃખને કારણે હુમલો કરવામાં આવ્યો હોવાનો ફરિયાદ પક્ષનો આક્ષેપ છે. જોકે પ્રેમસંબંધ અને હુમલાના કારણ અંગેની આ વિગતો ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો છે અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ વધુ સ્પષ્ટ થશે.
ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હોવાથી પોલીસ દ્વારા આ ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. જૂનાગઢ તાલુકા પોલીસે સાગર ભનુભાઈ વાળા સામે ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.


