અકવાન વાવાઝોડુ આંધ્ર પ્રદેશ-ઓડિશાના તટ સાથે ટકરાયું : ૩ લાખ લોકોનું સ્થળાંતર : ૬૯ ટ્રેનો કેન્સલ

અકવાન વાવાઝોડુ આંધ્ર પ્રદેશ-ઓડિશાના તટ સાથે ટકરાયું : ૩ લાખ લોકોનું સ્થળાંતર : ૬૯ ટ્રેનો કેન્સલ

ભુવનેશ્વર/વિશાખાપટ્ટનમ તા.૨૦
ચક્રવાતી તોફાન અકવાન આજે સવારે લગભગ ૭:૩૦થી ૮:૩૦ વાગ્યાની વચ્ચે આંધ્ર પ્રદેશ અને ઓડિશા વચ્ચેના ગોપાલપુર તટ સાથે અથડાયું. આ દરમિયાન પવનની ઝડપ ૭૦થી ૯૦ કિમી પ્રતિ કલાક રહી. તોફાનનું તટ સાથે અથડાવાનું હજુ પણ ચાલુ છે.
તોફાનની અસરને કારણે ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઓડિશામાં લગભગ ૩ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તેમના માટે ૨,૫૨૩ રાહત શિબિરો બનાવવામાં આવી છે. સાથે જ ૪૨૩ બચાવ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.
તોફાનને કારણે પૂર્વ રેલવેએ ૪૧ અને દક્ષિણ-પૂર્વ રેલવેએ ૨૮ એક્સપ્રેસ ટ્રેનો રદ કરી દીધી છે. જ્યારે ૨૯ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
તોફાનની અસર ૧૦ રાજ્યોમાં પડી શકે છે. તમિલનાડુ, પુડુચેરી ઉપરાંત મધ્ય પ્રદેશ અને ઝારખંડમાં પણ હવામાન બદલાઈ શકે છે અને વરસાદ પડી શકે છે.
પુરીના IG સત્યજીત નાયકે જણાવ્યું કે, દરિયાકિનારા પર ODRF અને NDRF સાથે સ્થાનિક પોલીસની ટીમો પણ પેટ્રોલિંગ કરી રહી છે. આ ટીમો લોકોને જાગૃત કરવા અને રાહત-બચાવ કામગીરી તેમજ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં વહીવટીતંત્રની મદદ કરી રહી છે.
અકવાન વાવાઝોડાની અસરથી છત્તીસગઢના અનેક વિસ્તારોમાં માવઠું થઈ રહ્યું છે. રાજધાની રાયપુરમાં આજે સવારે વરસાદ પડ્યો હતો.