મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આદિવાસી પરિવારો સાથે ખાટલા બેઠક

દાહોદના ચાંદાવાડા ગામે ભાભોર ફળીયામાં ગ્રામજનો સાથે કર્યો આત્મીય સંવાદ, જીવનશૈલી, પરંપરા અને પાયાની સુવિધાઓ અંગે મેળવી જાણકારી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આદિવાસી પરિવારો સાથે ખાટલા બેઠક

દાહોદ, તા. 20
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાના પ્રવાસના ત્રીજા દિવસે ચાંદાવાડા ગામની મુલાકાત લીધી હતી. અહીં ભાભોર ફળીયામાં તેમણે સ્થાનિક આદિવાસી પરિવારો સાથે પરંપરાગત ખાટલા બેઠક યોજી હતી અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કરીને તેમની લાગણીઓ તથા અપેક્ષાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
મુખ્યમંત્રીના આગમન સમયે ગ્રામજનોએ આદિવાસી લોકનૃત્ય રજૂ કરીને તેમનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. ગામના દિવ્યાંગ નાગરિક દિનેશભાઈ ચૌહાણ સહિત પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને સરપંચે મુખ્યમંત્રીને કમળ અર્પણ કરીને આવકાર્યા હતા. આ ઉપરાંત સ્થાનિક સખી મંડળ સાથે જોડાયેલાં દિવ્યાંગ બહેને પોતાના હાથે વાંસમાંથી તૈયાર કરેલું તોરણ ભેટ આપીને મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.
ખાટલા બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે અનૌપચારિક વાતચીત કરી હતી. તેમણે ગામના લોકોની રહેણીકરણી, સ્થાનિક આદિવાસી પરંપરાઓ અને જીવનશૈલી વિશે જાણકારી મેળવી હતી. સાથે જ ગામમાં ઉપલબ્ધ પાયાની સુવિધાઓ અંગે પણ વિગતો જાણી હતી. મુખ્યમંત્રીએ બાળકો સાથે પણ રૂબરૂ સંવાદ કરીને તેમની વાતો સાંભળી હતી. આ મુલાકાત દરમિયાન ગ્રામજનોને પોતાની વાત સીધી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવાની તક મળી હતી.