આજે દેવ દિવાળીના પાવનકારી પર્વની ભાવભેર ઉજવણી : ઠેર-ઠેર તુલસી વિવાહના કાર્યક્રમો
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૦
કારતક સુદ અગિયારશ એટલે દેવદિવાળીનું પાવનકારી પર્વનો અવસર હોય જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવભેર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગત અનુસાર આજે ભગવાન વિષ્ણુ ચાર મહિનાના યોગનિદ્રામાંથી જાગે છે અને ભગવાન શાલીગ્રામ સાથે તુલસી માતાના લગ્ન થાય છે. જે નિમિતે ઠેર-ઠેર તુલસી વિવાહના કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે અને ભાવિકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આજે વહેલી સવારથી જ દેવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. તમામ મંદિરોને ફૂલો અને લાઈટોથી શણગારવામાં આવ્યા છે. દામોદર કુંડમાં સ્નાન કરવા માટે વહેલી સવારથી જ ભાવિકો ઉમટી પડ્યા છે. એવું માનવામાં આવે છે કે, આજે દામોદર કુંડમાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે.
આજે ઘરે-ઘરે તુલસી માતાનું પૂજન
આજે ઘરે ઘરે તુલસી માતાજીનું પૂજન કરવામાં આવેલ છે. વહેલી સવારે શેરડીનો સાઠો ઘરના દરવાજે પધરાવી અને વિધીવત પૂજન કરવામાં આવે છે. બહેનોએ વહેલી સવારથી તુલસી ક્યારો શણગાર્યો છે. લાલ ચુંદડી, ચૂડલા, કંકુ-ચોખાથી તુલસીમાતાને વધાવવામાં આવ્યા છે. શેરડીના માંડવા નીચે શાળીગ્રામ અને તુલસી માતાજીના લગ્નની વિધિ પણ કરવામાં આવશે. લગ્ન ગીતો, મંગળ ગીતો અને ફટાકડાની આતશબાજીથી વાતાવરણ મંગલમય બની ગયું છે.
આજથી લગ્નની સીઝન શરૂ
દેવ દિવાળીના દિવસથી જ ભગવાન શાલીગ્રામ અને તુલસી માતાજીના લગ્ન પ્રસંગ યોજાયા બાદ શુભ પ્રસંગોનો શુભારંભ થયો છે. લગ્ન, સગાઈ, વાસ્તુ, નવા કામોની શરૂઆત થઈ જશે. જે લોકો ચોમાસાના ચાર મહિનાથી શુભ કામ માટે રાહ જોતા હતા, તેમના માટે આજનો દિવસ સૌથી મોટો શુભ દિવસ છે. દેવ દિવાળીના પાવનકારી પર્વે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.


