જૂનાગઢમાં કોઈ મોટા ઉદ્યોગ નહી હોવાથી બેરોજગારીની વ્યાપક સમસ્યા
હજારો લોકોને રોજગારી આપી શકે તેવા ઉદ્યોગ સ્થાપવાની ખાસ જરૂરીયાત
જૂનાગઢ તા. 22
સૌરાષ્ટ્રનાં મહાનગરોની સરખામણીમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં બેરોજગારીની સમસ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. આ ઉપરાંત હજારો માણસોને રોજગારી આપી શકે તેવો કોઈ મોટો ઉદ્યોગ ન હોવાનાં કારણે પણ યુવા વર્ગથી લઈ મોટાભાગનાં લોકોને રોજગારી મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. ત્યારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં મોટા ઉદ્યોગ સ્થાપવાની જરૂરીયાત રહેલી છે. આ સંજાેગોમાં જૂનાગઢ શહેર અને પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા એક મંચ પર આવી અને જૂનાગઢ શહેર -જિલ્લામાં મોટા ઉદ્યોગ કઈ રીતે લાવી શકાય તે માટેની વિચારગોષ્ઠી કરી અને સરકારનાં સહયોગ સાથે ઉદ્યોગ અભિયાન હાથ ધરવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે. ગુજરાતના મહત્વના શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, સહીતનાં શહેરોમાં એકતરફ ધંધા-રોજગારનો વિકાસ તેમજ વિકાસની દ્રષ્ટીએ પણ આ શહેરો ખુબજ આગળ પડતા છે અને આર્થિક ક્ષેત્રે પણ આ શહેરો ખુબજ મજબુત છે. જયારે સૌરાષ્ટ્રનાં મહત્વનાં શહેરોમાં રાજકોટ, ભાવનગર, જામનગર, પોરબંદર, ગોંડલ, અમરેલી સહીતનાં શહેરોમાં ધંધા-રોજગાર માટેનું ક્ષેત્ર વિકાસ પામેલું છે. રાજકોટની વાત કરીએ તો ઈન્ડસ્ટ્રીયલ એરીયા વિકસેલો છે. હજારો કારખાનાઓ અનેક લોકોને રોજગારી પુરી પડે છે. આ ઉપરાંત પાપડ ઉદ્યોગ પણ સતત કાર્યરત છે. જેને લઈને મહિલાઓને પણ સારી રોજગારી મળે છે. ઉપરાંત ગૃહઉદ્યોગને કારણે પણ સારૂ રોજગારી ક્ષેત્ર બનેલું છે. જયારે જામનગરની વાત કરીએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ વિસ્તાર તેમજ અન્ય જિલ્લામાંથી આવેલા લોકોને પણ રોજગારીની તક આપી છે. રોજગારીનું સારૂ ક્ષેત્ર ધરાવતાં સૌરાષ્ટ્રનાં શહેરોનાં યુવાઓ મોટાભાગનાં લોકો આજે અમદાવાદ તરફ વળ્યા છે. અથવા તો જયાં વધુ રોજગારીની તક મળે તેવા ક્ષેત્રોમાં સ્થાયી થઈ રહયા છે. જયારે જૂનાગઢ શહેરની અને જિલ્લાની વાત કરીએ તો જૂનાગઢ શહેર અને જિલ્લામાં રોજગારી પુરી પાડી શકે તેવા ઉદ્યોગ ખુબજ જુજ છે અને જૂનાગઢ શહેર અને જિલ્લાને મોટા ઉદ્યોગની કાયમી ખોટ રહેલી છે. બધીજ રીતે જૂનાગઢ શહેર અને જિલ્લો આગળ પડતો છે. જેમ કે પ્રવાસનની દ્રષ્ટીએ, ઐતિહાસિક શહેર તરીકે જૂનાગઢની ગણના થાય છે. આધ્યાત્મિક રીતે પણ જૂનાગઢ શહેર અને જિલ્લો શ્રેષ્ઠ છે. વર્ષ દરમ્યાન લાખો લોકો જૂનાગઢ શહેર અને જિલ્લાની મુલાકાતે આવે છે. આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે મોટી મોટી હોસ્પીટલો છે તો શિક્ષણ ક્ષેત્રે પણ જૂનાગઢનું સારૂ નામ રહેલું છે. આમ બધીજ રીતે અનુકુળ અને અહીં આવનારા પ્રવાસીઓને પણ જૂનાગઢ શહેર અને જિલ્લાની મુલાકાતે આવવાનું ફરી ફરીને મન થાય તેવો સોરઠ પંથક છે. પરંતુ આ શહેર અને જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગ ન હોવાનાં કારણે જૂનાગઢ જિલ્લો ઔદ્યોગિક રીતે તદન પછાત હોવાનું મેણું લાગેલું છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં હજારો લોકોને રોજગારી આપી શકે તેવા કોઈ મોટા ઉદ્યોગની આજે સતત જરૂરીયાત રહેલી છે. ત્યારે સરકારનાં સંપુર્ણ સહયોગ સાથે જૂનાગઢમાં કોઈ મોટા ઉદ્યોગ લાવવામાં આવે તેવી તંત્ર અને ‘નેતા’ઓ દ્વારા તત્કાલ કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.


