દેશમાં આગામી ૨૫ દિવસમાં બાવન લાખ લગ્નો થશે : ૭ લાખ કરોડનો વેપાર થશે
(એજન્સી) નવી દિલ્હી તા.૨૦
દેવઉઠી એકાદશીની સાથે આપણા દેશમાં આ વર્ષે લગ્નની મોસમ શરૂ થશે. કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના અંદાજ મુજબ ૨૧ નવેમ્બરથી ૧૫ ડિસેમ્બરના સમયગાળામાં દેશભરમાં આશરે બાવન લાખ લગ્નો થશે, જેનાથી ૭.૫૦ લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર થવાનો અંદાજ છે. નોંધપાત્ર રીતે ફક્ત દિલ્હી-NCR (નેશનલ કેપિટલ રીજન)માં જ આશરે પાંચ લાખ લગ્નો અને ૨.૫૦ લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર થવાની ધારણા છે. જ્વેલરી, કપડાં, કરિયાણા, મીઠાઈઓ, હોટેલ, કેટરિગ, ઇલેક્ટ્રોનિક્સ, ડેકોરેશન, ફોટોગ્રાફી અને ઇવેન્ટ-મેનેજમેન્ટ જેવા બિઝનેસમાં તેજી આવવાની અપેક્ષા છે. આ લગ્નની મોસમમાં અંદાજે ૧.૨૫ કરોડ કામચલાઉ રોજગારની તકો પણ ઊભી થઈ શકે છે.


