છત્તીસગઢમાં બનેલી જઘન્ય ઘટના : મહિલા કોન્સ્ટેબલના કપડા ફાડી નાંખી અર્ધનગ્ન કરી વિડીયો ઉતાર્યો

છત્તીસગઢમાં બનેલી જઘન્ય ઘટના : મહિલા કોન્સ્ટેબલના કપડા ફાડી નાંખી અર્ધનગ્ન કરી વિડીયો ઉતાર્યો

(એજન્સી)       રાયગઢ,તા.૦૩: 
છત્તીસગઢના રાયગઢ જિલ્લામાં ખાણકામ વિરોધી પ્રદર્શન દરમિયાન ફરજ પરના એક મહિલા કોન્સ્ટેબલ સાથે અત્યંત અમાનવીય વ્યવહારની ઘટના સામે આવી છે. આ હુમલાનો એક વિચલિત કરી દેનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરી છે. આ ઘટના ૨૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ તમનાર બ્લોકમાં બની હતી, જ્યારે કોલસાની ખાણના પ્રોજેક્ટ વિરુદ્ધ ૧૪ ગામોના લોકોનું પ્રદર્શન હિસક બન્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા કોન્સ્ટેબલ એક ખેતરમાં ભીડ વચ્ચે એકલી પડી ગઈ હતી. બે નરાધમો તેના કપડાં ખેંચી રહ્યા હતા અને તે હાથ જોડીને રડતી રડતી દયાની ભીખ માંગી રહી હતી. તે વારંવાર કહી રહી હતી કે, ભાઈ, કપડાં ન ફાડો, મેં કોઈને માર્યા નથી, મને જવા દો. એક આરોપીએ ચપ્પલ બતાવીને તેને ધમકાવી હતી, જ્યારે બીજો આ આખી ઘટનાનો વીડિયો ઉતારતો હતો. બિલાસપુર રેન્જના આઈજી સંજીવ શુક્લાએ શુક્રવારે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા બંને આરોપીઓ સ્થાનિક રહેવાસીઓ છે.