સોમનાથ સંસ્કૃત યુનિવસિર્ટીમાં ૨૦ માં યુવક મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો

બે દિવસ દરમ્યાન ૪૫ સ્પર્ધાઓમાં રાજ્યભરની સંલગ્ન સંસ્કૃત કોલેજોના વિદ્યાર્થીઓ કૌશલ્યનું પ્રદર્શન કરશે

સોમનાથ સંસ્કૃત યુનિવસિર્ટીમાં ૨૦ માં યુવક મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો

(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ, તા.૨૪
સોમનાથ સંસ્કૃત યુનિવસિર્ટીમાં બે દિવસીય ૨૦ માં યુવક મહોત્સવનો આજે પ્રારંભ થયો હતો. યુવાધનની પ્રતિભા, સર્જનાત્મકતા, રમતગમતની ભાવના અને સંસ્કૃત સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરતા આ મહોત્સવના પ્રારંભે વેરાવળ શહેરમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. યુવક મહોત્સવના પ્રારંભ નિમિત્તે આજે સવારે વેરાવળના ટાવર ચોકથી યુનિવસિર્ટી પરિસર સુધી ભવ્ય સંસ્કૃત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં યુનિવસિર્ટીના પદાધિકારીઓ, રાજ્યભરમાંથી આવેલા સ્પર્ધકો, અધ્યાપકો, આચાર્યો અને યુનિવસિર્ટીના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શોભાયાત્રા દ્વારા સંસ્કૃત ભાષા, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના ગૌરવને ઉજાગર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે ૧૧ વાગ્યે યુનિવસિર્ટી પરિસરમાં ૨૦મા યુવક મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં સોમનાથ સંસ્કૃત યુનિવસિર્ટીના કાર્યકારી કુલપતિ ડૉ. નરેન્દ્રકુમાર પંડ્યાએ અધ્યક્ષસ્થાન જ્યારે કુલસચિવ ડૉ. મહેશકુમાર મેતરા આમંત્રક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ અતિથિ તરીકે અનુસ્નાતક ભવનના નિદેશક પ્રો. વિનોદકુમાર ઝા તથા વિજ્ઞાન-અભિનવવિદ્યા સંકાયના ડીન અને અધ્યક્ષ ડો. જાનકીશરણ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.
આ બે દિવસીય યુવક મહોત્સવમાં કુલ ૪૫ જેટલી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૪ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ચિત્રકલા સંબંધિત સ્પર્ધાઓ તથા ૩૧ રમતગમતની સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. યુનિવસિર્ટી સાથે સંલગ્ન સંસ્કૃત કોલેજોના વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાની પ્રતિભા અને ક્ષમતાનું પ્રદર્શન કરશે. યુવક મહોત્સવ દરમ્યાન  યુનિવસિર્ટીના પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત પુસ્તકનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સાહિત્ય અને જ્ઞાનપ્રસારને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા, પરસ્પર સંવાદ અને સહકારની ભાવના વિકસાવવા તથા ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા સાથે નવી પેઢીનો નાતો વધુ મજબૂત બનાવવા માટે યુવક મહોત્સવ મહત્ત્વપૂર્ણ માધ્યમ બની રહ્યો છે. 
૨૦ માં યુવક મહોત્સવના આયોજનમાં ડૉ. જયેશકુમાર મુંગરા, રવીન્દ્ર કાળે, ડૉ. જીગર ભટ્ટ અને ડો. કિરણકુમાર ડામોર સંયોજક તરીકે કામગીરી કરી રહ્યા છે. બે દિવસ દરમ્યાન યોજાનારી વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓની સહભાગિતા સાથે યુનિવસિર્ટી પરિસરમાં શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમતના ઉત્સાહનો માહોલ છવાયો છે.