પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાના સંકેતો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ તેલનો ભાવ ઘટીને પ૦ ડોલર થઈ જશે
(એજન્સી) મુંબઇ, તા.૬
ખાદ્યચીજાેથી માંડીને વિવિધ ચીજાેમાં મોંઘવારીથી પિડાતી પ્રજાને મોટી રાહત મળી શકે છે. ક્રૂડતેલનો વૈશ્વિક ભાવ ઘટીને ૫૦ ડોલર થવાની અને તેના આધારે ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડા સાથે મોંઘવારીમાં રાહત મળવાનું સ્ટેટ બેંકના રિસર્ચ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રન્ટ ક્રૂડ ૧.૦૧ ડોલર વધીને ૬૧.૭૬ ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું છે. બીજી તરફ, WTI ક્રૂડ સામાન્ય ઘટાડા સાથે ૫૮.૨૯ ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. જાેકે, એસબીઆઈ રિસર્ચનો અહેવાલ સૂચવે છે કે આગામી સમયમાં આ કિંમતોમાં મોટો ઘટાડો આવશે. SBI રિસર્ચ ટીમે તેમના અહેવાલમાં આર્થિક પાસાઓનું વિશ્લેષણ કરતા જણાવ્યું છે કે, બ્રન્ટ ક્રૂડ અને ઇન્ડિયન બાસ્કેટ વચ્ચે ૦.૯૮નો મજબૂત સંબંધ છે, જેનો અર્થ એ થાય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રન્ટ ક્રૂડના ભાવ ઘટતા જ ભારત માટે ક્રૂડ ઓઈલ સસ્તું થઈ જશે. આ ઘટાડો માત્ર ઈંધણ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ તેલના ભાવમાં રાહત મળવાથી એકંદર મોંઘવારીમાં પણ ઘટાડો થશે, જે આર્થિક વિકાસને નવી ગતિ આપશે. તેમજ ટેકનિકલ અને એનાલિસિસ પણ આ જ દિશામાં સંકેત આપે છે.


