ઉત્તરાખંડના કેદારનાથમાં માઈનસ ર૩ ડીગ્રી તાપમાન નોંધાયું

ઉત્તરાખંડના કેદારનાથમાં માઈનસ ર૩ ડીગ્રી તાપમાન નોંધાયું

(એજન્સી)     નવી દિલ્હી તા.૦૬

દેશભરમાં ઠંડી સતત વધી રહી છે. પર્વતીય રાજ્યોમાંથી આવતી બર્ફીલી હવાઓને કારણે મેદાની રાજ્યોમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવની અસર છે. ઠંડીને કારણે મધ્યપ્રદેશના ૨૪, રાજસ્થાનના ૨૦ જિલ્લાઓની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. મધ્યપ્રદેશના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે છે. સોમવારે નૌગાંવ સૌથી ઠંડું રહ્યું. અહીં પારો ૧ ડિગ્રી નોંધાયો હતો. રાજસ્થાનના ૭ શહેરોમાં રાત્રિનું તાપમાન ૫ાંચ ડિગ્રીથી નીચે આવી ગયું. હિલ સ્ટેશન માઉન્ટ આબુ (સિરોહી) માં સતત ત્રીજા દિવસે તાપમાન શૂન્ય રહ્યું હતું. બીજી તરફ, ઉત્તરાખંડનું મુનસ્યારી સોમવારે સૌથી ઠંડો વિસ્તાર નોંધાયો, જ્યાં લઘુત્તમ તાપમાન માઈનસ ૨૫ ડિગ્રી સુધી પહોંચી ગયું છે.  કેદારનાથમાં ભારે હિમવર્ષા વચ્ચે તાપમાન માઈનસ ૨૩°C પહોંચી ગયું. ઉત્તરકાશી સ્થિત ગંગોત્રીમાં માઈનસ ૨૧ ડિગ્રી તાપમાન નોંધાયું. અહીં પાણીની પાઈપલાઈનમાં બરફ જામી ગયો હતો. હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિ જિલ્લાના તાબો અને જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં સોમવારે રાત્રે વર્ષની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત રહી. બંને જગ્યાએ લઘુત્તમ તાપમાન શૂન્યથી લગભગ ૧૦ ડિગ્રી નીચે પહોંચી ગયું. જેના કારણે તળાવો, ઝરણાં અને નદીઓની નાની ધારાઓમાં પાણી જામી ગયું છે.