ગિરનાર પરીક્રમાનો વહેલી સવારે પ્રારંભ : ર લાખ શ્રધ્ધાળુઓ રવાના
ભાવિકોનાં ભારે ઘસારાને ધ્યાને લઈ પરીક્રમા નિયત સમય કરતા ૧૮ કલાક વહેલી શરૂ કરાઈ
(જગડુશા ડી.નાગ્રેચા દ્વારા)
જૂનાગઢ તા. ર૦
જૂનાગઢ નજીક આવેલા ગરવા ગીરનારની ૩૬ કી.મી.ની પાવનકારી પરીક્રમાનો આજે વહેલી સવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો આા સાથે જ ર લાખ શ્રધ્ધાળુઓ પરીક્રમા માટે રવાના થયા હતા જાે કે વિધિવત પરીક્રમા આજે રાત્રીનાં ૧ર.૦૦ કલાકે શરૂ થવાની હોય પરંતુ પરીક્રમા પૂર્વે જ ભાવિકોનાં ભારે ઘસારાને ધ્યાને લઈ નિયત સમય કરતા ૧૮ કલાક વહેલી પરીક્રમા શરૂ કરી દેવામાં આવી છે અને પરીક્રમા રૂટ જય ગીરનારીનાં નાદથી ગુંજી ઉઠયો છે.
દર વર્ષે યોજાતી ગીરનાર પરીક્રમાનો આજે દેવદિવાળીનાં પાવનકારી પર્વે મધ્યરાત્રીનાં ૧ર.૦૦ કલાકે પરીક્રમા ગેઈટ પાસેથી સંતો-મહંતો, મહાનુભાવો, પદાધિકારીઓ અને ભાવિકોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોકત વીધિ સાથે પુજન કર્યા બાદ પરીક્રમા શરૂ કરવામાં આવનાર છે પરંતુ ગઈકાલથી જ દુર દુરથી ભાવિકોનો ભારે ઘસારો ભવનાથ ખાતે ઉમટી પડયો હતો અને રાત સુધીમાં દોઢ કરતા વધારે ભાવિકો જંગલ વિસ્તારમાં પડાવ નાખી બેસી ગયા હતા. પરીક્રમાનાં ગેઈટ પાસે પણ માનવ મહેરામણ ઉમટી પડયો હતો. પાછલા વર્ષોનાં સમયગાળામાં ધ્યાન કેન્દ્રીત કરીએ તો ગત વર્ષે ભારે વરસાદને કારણે પરીક્રમા યોજવામાં આવી ન હતી અને તેના આગલા વર્ષે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડતા પરીક્રમા વહેલી શરૂ કરી દેવામાં આવી હતી. આ વર્ષે પણ તંત્ર દ્વારા નિયત સમયે જ પરીક્રમા શરૂ કરવામાં આવશે તેવી અપીલ ભાવિકોને કરવામાં આવી હતી પરંતુ શ્રધ્ધાનાં તાંતણે જાેડાયેલા ભાવિકો મોટી સંખ્યામાં પરીક્રમા કરવા ઉમટી પડતા આજે વહેલી સવારે પ.૪પ કલાકે પરીક્રમાનો ગેઈટ ખુલ્લો મુકવામાં આવતા બે લાખથી વધુ ભાવિકો હર હર મહાદેવ હર અને જય ગીરનારીનાં નાદ સાથે પરીક્રમા રૂટ ઉપર રવાના થયા હતા. જાે કે આજે મધ્યરાત્રીએ વિધિવત પરીક્રમા પુજનવિધિ સાથે શરૂ કરવામાં આવશે અને તે અંગેની તૈયારી કરવામાં આવી રહી છે.


