તબુ પહેલીવાર હિન્દી વેબ સિરીઝમાં જોવા મળશે, ‘ટનલ મેન’માં મહત્વની ભૂમિકા

ઉત્તરાખંડના ટનલ રેસ્ક્યુ ઓપરેશનથી પ્રેરિત નેટફ્લિક્સની નવી ડ્રામા સિરીઝમાં તબુની એન્ટ્રી, ‘ધ રેલવે મેન’ના શિવ રાવેલ સંભાળશે દિગ્દર્શનની જવાબદારી

તબુ પહેલીવાર હિન્દી વેબ સિરીઝમાં જોવા મળશે, ‘ટનલ મેન’માં મહત્વની ભૂમિકા

મુંબઈ, તા. 20
બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી તબુ હવે ડિજિટલ મનોરંજનની દુનિયામાં એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહી છે. યશરાજ ફિલ્મ્સ એન્ટરટેઇનમેન્ટની નેટફ્લિક્સ માટે તૈયાર થઈ રહેલી સિરીઝ ‘ટનલ મેન’માં તબુ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ખાસ વાત એ છે કે ત્રણ દાયકાથી વધુ સમયથી ફિલ્મોમાં સક્રિય રહેલી તબુની આ પ્રથમ હિન્દી સિરીઝ હશે. વર્ષ 2023માં ઉત્તરાખંડની ટનલમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત બહાર કાઢવા માટે હાથ ધરવામાં આવેલા મુશ્કેલ રેસ્ક્યુ ઓપરેશનની પૃષ્ઠભૂમિથી આ કાલ્પનિક ડ્રામા પ્રેરિત છે.
નવેમ્બર 2023માં ઉત્તરાખંડમાં એક નિર્માણાધીન ટનલનો ભાગ ધરાશાયી થતાં અનેક કામદારો અંદર ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે લાંબું અને પડકારજનક બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં જોવા મળેલી હિંમત, એકબીજાના સહયોગ અને મુશ્કેલ પરિસ્થિતિમાં જળવાયેલી આશાની લાગણીને ‘ટનલ મેન’માં કાલ્પનિક વાર્તાના માધ્યમથી રજૂ કરવામાં આવશે.
આ સિરીઝના દિગ્દર્શનની જવાબદારી ‘ધ રેલવે મેન’થી પ્રશંસા મેળવનારા શિવ રાવેલને સોંપવામાં આવી છે. તબુની એન્ટ્રીથી આ પ્રોજેક્ટને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધી શકે છે. જોકે, સિરીઝમાં તેમના પાત્ર અંગેની વધુ વિગતો હજુ સામે આવી નથી.
તબુએ પોતાની લાંબી કારકિર્દીમાં મુખ્યધારાની ફિલ્મોથી લઈને પ્રયોગાત્મક સિનેમા સુધી અનેક પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. હિન્દી ઉપરાંત પ્રાદેશિક ભાષાઓની ફિલ્મોમાં પણ તેમણે પોતાની અભિનયક્ષમતા સાબિત કરી છે. ‘માચીસ’ અને ‘ચાંદની બાર’માં તેમના અભિનય માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ‘મકબૂલ’, ‘હૈદર’ અને ‘અંધાધૂન’ જેવી ફિલ્મોમાં તેમના અભિનયને પણ વિશેષ પ્રશંસા મળી હતી.
ભારતીય ફિલ્મો ઉપરાંત તબુએ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં પણ કામ કર્યું છે. મીરા નાયરની ‘ધ નેમસેક’, આંગ લીની ‘લાઇફ ઑફ પાઈ’ અને વેબ સિરીઝ ‘ડ્યુન: પ્રોફેસી’ તેમના જાણીતા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં સામેલ છે. હવે ‘ટનલ મેન’ દ્વારા તેઓ પહેલીવાર હિન્દી સિરીઝમાં પોતાની અભિનય પ્રતિભા રજૂ કરશે.
નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થનારી આ સિરીઝ યશરાજ ફિલ્મ્સ એન્ટરટેઇનમેન્ટ અને નેટફ્લિક્સ વચ્ચેની સર્જનાત્મક ભાગીદારીનો વધુ એક પ્રોજેક્ટ છે. બંને વચ્ચે આ ભાગીદારીની શરૂઆત વર્ષ 2023માં રિલીઝ થયેલી સિરીઝ ‘ધ રોમેન્ટિક્સ’થી થઈ હતી. હવે ‘ટનલ મેન’માં તબુ અને શિવ રાવેલની જોડાણથી આ સિરીઝને લઈને ચર્ચા શરૂ થઈ છે.