ગાંધી જ્યંતીએ જ કોલીખડા ગામેથી ઉદ્યોગ નગર પોલીસે પીકઅપ વાનમાંથી ૨૭૪૮ બોટલ વિદેશી દારૂના જથ્થો ઝડપી પાડયો
ઉદ્યોગ નગર પોલીસ ટીમની કાર્યવાહી : રૂા.૨૨.૮૬ લાખથી વધુનો મુદ્દામાલ કબજે, પીકઅપ વાહનના ચાલક તેમજ સાથેનો શખ્સ નાસી ગયા
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ), તા.૩
પોરબંદરના કોલીખડા ગામે બિલડી સીમશાળા નજીકથી બખરલા ગામ તરફ જતા રોડ પરથી ઉદ્યોગનગર પોલીસે ફિલ્મી ઢબે પીકઅપ વાહનનો પીછો કરી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૨૯ પેટી, કુલ ૨,૭૪૮ બોટલ તથા પીકઅપ વાહન મળી કુલ રૂા.૨૨,૮૬,૨૦૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસને જોઈ પીકઅપનો ચાલક અને તેની સાથેનો એક અજાણ્યો શખ્સ વાહન કાચા રસ્તા પર મૂકી નાસી છૂટ્યો હતો. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ જિલ્લામાં દારૂ-જુગારની બદીને ડામવા આપેલી સૂચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ તથા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સોમનાથથી દ્વારકા તરફ જતા નેશનલ હાઇવે પર કાળા રંગનું કાગળ ઢાંકેલું શંકાસ્પદ ફોરવ્હીલ પીકઅપ વાહન પસાર થતું નજરે પડ્યું હતું. પોલીસે વાહનને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે વાહન રોક્યું ન હતું. જેથી પોલીસે બોલેરો વાહન મારફતે પીકઅપનો પીછો કર્યો હતો. પોલીસના પીછાથી ગભરાયેલા પીકઅપ ચાલકે કોલીખડાથી બખરલા તરફ જતા રોડની સાઇડમાં આવેલા કાચા રસ્તા પર વાહન ઊભું કરી દીધું હતું. ત્યારબાદ પીકઅપ ચાલક તથા તેની સાથેનો એક અજાણ્યો શખ્સ વાહન મૂકીને નાસી છૂટ્યા હતા. પોલીસે પીકઅપની તલાશી લેતા તેમાં ચાર્લી રિઝર્વ વ્હિસ્કી ૭૫૦ એમએલની કુલ ૨,૭૪૮ બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂા.૧૭,૮૬,૨૦૦ હોવાનું જણાવાયું છે. ઉપરાંત પીકઅપ વાહનની કિંમત રૂા.૫,૦૦,૦૦૦ મળી કુલ રૂા.૨૨,૮૬,૨૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં ઉદ્યોગનગર પોલીસે ગણનાપાત્ર દારૂનો કેસ શોધી કાઢી વધુ તપાસ હાથ ધરી છે. નાસી છૂટેલા આરોપીઓની ઓળખ અને દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો તથા ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.


