રાજકોટ ઝોનના ‘પોષણ ઉત્સવ-2026’માં જૂનાગઢ જિલ્લાનો ડંકો, પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં બે બહેનોએ મેળવ્યું સ્થાન

માળિયા-1 આંગણવાડીના પિન્ટુબેન મહિડાએ મિલેટ્સ વાનગી સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવ્યું; રાજેસર-2ના જાગૃતિબેન મકડિયાએ ટેક હોમ રાશનમાંથી ‘બાસ્કેટ ચાટ’ બનાવી તૃતીય સ્થાન મેળવ્યું

રાજકોટ ઝોનના ‘પોષણ ઉત્સવ-2026’માં જૂનાગઢ જિલ્લાનો ડંકો, પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં બે બહેનોએ મેળવ્યું સ્થાન

જૂનાગઢ, તા.૦૭
મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત રાજકોટ ખાતે યોજાયેલા ઝોન કક્ષાના ‘પોષણ ઉત્સવ-2026’ અને પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાના પ્રતિભાગીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે. મિલેટ્સ એટલે કે શ્રી અન્નમાંથી બનતી પૌષ્ટિક વાનગીની સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાએ દ્વિતીય જ્યારે ટેક હોમ રાશનમાંથી તૈયાર થતી વાનગીની સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
વિભાગીય નાયબ નિયામકની કચેરી, આઈ.સી.ડી.એસ. રાજકોટ ઝોન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે ઝોન કક્ષાના ‘પોષણ ઉત્સવ-2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે ટેક હોમ રાશન અને મિલેટ્સ એટલે કે શ્રી અન્નમાંથી તૈયાર થતી વિવિધ પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી.
આ સ્પર્ધામાં રાજકોટ ઝોન અંતર્ગત વિવિધ વિસ્તારોમાંથી પ્રતિભાગીઓ જોડાયા હતા. જૂનાગઢ જિલ્લામાં અગાઉ યોજાયેલી જિલ્લા કક્ષાની ‘પોષણ ઉત્સવ-2026’ સ્પર્ધામાં ટેક હોમ રાશન વાનગી કેટેગરીના પ્રથમ ત્રણ અને મિલેટ્સ વાનગી કેટેગરીના પ્રથમ ત્રણ વિજેતાઓએ રાજકોટ ખાતે યોજાયેલી ઝોન કક્ષાની સ્પર્ધામાં જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ઝોન કક્ષાની મિલેટ્સ વાનગી સ્પર્ધામાં આઈ.સી.ડી.એસ. ઘટક માળિયા હાટીનાની માળિયા-1 આંગણવાડી કેન્દ્રના તેડાગર મહિડા પિન્ટુબેન જમનભાઈએ પોતાની પૌષ્ટિક વાનગી રજૂ કરી હતી. તેમણે મોરૈયાનો ઉપયોગ કરીને ‘સેન્ડવીચ ઢોકળા’ તૈયાર કર્યા હતા. તેમની આ વાનગીએ નિર્ણાયકોનું ધ્યાન ખેંચતાં પિન્ટુબેનને ઝોન કક્ષાની મિલેટ્સ વાનગી સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું હતું.
આ ઉપરાંત ટેક હોમ રાશન વાનગી સ્પર્ધામાં પણ જૂનાગઢ જિલ્લાએ સ્થાન મેળવ્યું હતું. આઈ.સી.ડી.એસ. ઘટક મેંદરડાના રાજેસર-2 આંગણવાડી કેન્દ્રના કાર્યકર મકડિયા જાગૃતિબેન માણસુરભાઈએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમણે ‘બાલશક્તિ’નો ઉપયોગ કરીને પૌષ્ટિક ‘બાસ્કેટ ચાટ’ તૈયાર કરી હતી.
જાગૃતિબેન દ્વારા રજૂ કરવામાં આવેલી બાસ્કેટ ચાટને ઝોન કક્ષાની ટેક હોમ રાશન વાનગી સ્પર્ધામાં તૃતીય સ્થાન પ્રાપ્ત થયું હતું. આમ જૂનાગઢ જિલ્લાના બે અલગ-અલગ આઈ.સી.ડી.એસ. ઘટકોના પ્રતિભાગીઓએ બે કેટેગરીમાં સ્થાન મેળવી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
‘પોષણ ઉત્સવ’ અને આવી પૌષ્ટિક વાનગી સ્પર્ધાઓના માધ્યમથી ટેક હોમ રાશન તેમજ મિલેટ્સમાંથી અલગ-અલગ પ્રકારની પૌષ્ટિક અને આકર્ષક વાનગીઓ કેવી રીતે તૈયાર કરી શકાય તેની સર્જનાત્મક રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને પરંપરાગત અને પોષણયુક્ત અનાજનો ઉપયોગ કરીને રોજિંદા આહારમાં વિવિધતા લાવવાના પ્રયાસોને સ્પર્ધામાં સ્થાન મળ્યું હતું.
કાર્યક્રમના અંતે ઝોન કક્ષાની વિવિધ સ્પર્ધામાં સ્થાન મેળવનારી વિજેતા બહેનોને પ્રમાણપત્ર આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લાની પિન્ટુબેન મહિડા અને જાગૃતિબેન મકડિયાની સિદ્ધિને પણ બિરદાવવામાં આવી હતી.
આ અંગેની વિગતો આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત જૂનાગઢના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી વત્સલાબેન દવેની યાદીમાં જણાવવામાં આવી છે.