જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ભારે દોડધામ
ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસ ખાતે બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ, ફાયરબ્રિગેડ સહિતના પોલીસના ધાડે ધાડા ઉતારી દેવાયા : સમગ્ર સંકુલના ખૂણે ખૂણાની જીણવટભરી તપાસ : કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી
(એજન્સી) જૂનાગઢ તા.ર૭
જૂનાગઢ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં બોમ્બ મુકાયો હોવાની ઈ-મેઈલ દ્વારા ધમકી મળતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. પોસ્ટ ઓફિસના ઈ-મેઈલ એકાઉન્ટમાં આ મેલ આવ્યો હતો. જેને પગલે તુરત પોલીસને જાણ કરવામાં આવતા પોલીસના ધાડેધાડા પોસ્ટ ઓફિસ ખાતે ઉતારી દેવાયા હતા અને લોકોની અવર-જવર પર નિયંત્રણ મુકી દેવામાં આવ્યું હતું. તેમજ ફાયર ફાયટર અને બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પોસ્ટ ઓફિસના ખુણે-ખુણાની તપાસ કરી હતી. પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. જેથી તંત્રએ હાસકારો લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજયમાં લગભગ દરરોજ કોઈને કોઈ સ્થળે બોમ્બ મુકાયાની ધમકીનો ઈ-મેઈલ મળે છે અને તંત્ર દોડતું થઈ જાય છે. જાેકે, આ ઈ-મેઈલ વિદેશી સર્વરમાંથી
મોકલવામાં આવતા હોય, પોલીસ હજુ સુધી આરોપીઓ સુધી પહોંચી શકી નથી. થોડા દિવસ પહેલા જ જૂનાગઢ ડીસ્ટ્રીક કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં પણ આ ધમકી પોકળ પુરવાર થઈ હતી.


