યાત્રીક સુરક્ષાને ધ્યાને લઈ દ્વારકાના ગોમતી ઘાટ તથા ગાયત્રી બીચ પરના જર્જરિત છાપરીઓ-બેન્ચો હટાવતું તંત્ર
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા.૬
દ્વારકાના દરિયાકિનારાના વિસ્તારો ગાયત્રી બીચ તથા ગોમતી ઘાટ વિસ્તારોમાં યાત્રીકોની સુરક્ષાને ધ્યાને લઈને દરિયાની ખારાશયુકત આબોહવાથી જર્જરિત બનેલી છાપરીઓ તથા બેન્ચોને સુરક્ષા કારણોથી તંત્ર દ્વારા હટાવવામાં આવી હતી. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રવાસીઓની સુખાકારી હેતુ અગાઉ નિર્માણ કરવામાં આવેલી છાપરીઓ તથા બેન્ચીસ દરિયાના સતત ખારા પવન અને ભેજવાળા વાતાવરણને લીધે અત્યંત જર્જરિત અને જોખમી બની હોય અકસ્માત અનિચ્છનિય બનાવ ટાળવા વહીવટી તંત્ર દ્વારા જેસીબીની મદદથી આ જોખમી બાંધકામો હટાવવામાં આવ્યા હતા. દર્શનાર્થીઓની અવર-જવરવાળા નવા ગોમતી ઘાટો પર થોડા વર્ષો પહેલાં જ બનાવવામાં આવેલી અમૂક છાપરીઓ જર્જરિત સ્થિતિ જોતાં હટાવવામાં આવી છે.


