જટાશંકર મહાદેવ મંદિરે હેરાનગતિ રોકવા તેમજ સુવિધા બાબતે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કલેકટરને તત્કાલ કાર્યવાહી કરવા આદેશ

જટાશંકર મહાદેવ મંદિરે હેરાનગતિ રોકવા તેમજ સુવિધા બાબતે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કલેકટરને તત્કાલ કાર્યવાહી કરવા આદેશ

જૂનાગઢ તા. ર૧
જૂનાગઢના ગિરનાર પર્વતની ગોદમાં આવેલા પૌરાણિક શ્રી જટાશંકર મહાદેવ મંદિરની જગ્યામાં વન વિભાગ દ્વારા કરવામાં આવતી કથિત કનડગત અને પાયાની સુવિધાઓના અભાવ બાબતે ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવામાં આવી હતી. દરમ્યાન આ ગંભીર મુદ્દે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના વહીવટી અધિકારીએ જૂનાગઢ જીલ્લા કલેક્ટરને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જટાશંકર મહાદેવના મહંતશ્રીને પૌરાણિક મંદિરની જગ્યામાં થતી હેરાનગતિ રોકવા બાબતે મળેલી રજૂઆત પરત્વે નિયમાનુસાર જરૂરી કાર્યવાહી કરી યોગ્ય ઉકેલ લાવવો. આ આદેશ બાદ હવે સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને પૌરાણિક સ્થાનકને ન્યાય મળવાની આશા જાગી છે. સુપ્રસિધ્ધ જટાશંકર મંદિરના મહંત બાલ બ્રહ્મચારી પૂર્ણાનંદ ગુરૂજી બાલાનંદ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પણસારાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. મહંતે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે ગિરનારની જૂની સીડી પર ૫૦૦ પગથિયાં પાસે આવેલું આ મંદિર અતિ પ્રાચીન છે, જ્યાં વર્ષે લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. ખાસ કરીને મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં અહીં ભક્તોનો ભારે ધસારો રહે છે. જોકે, આટલા મહત્વના ધામિર્ક સ્થળ હોવા છતાં તંત્ર દ્વારા અહીં પીવાના પાણી કે શૌચાલય જેવી ન્યૂનતમ સુવિધાઓ પણ આપવામાં આવી નથી. ઉલટાનું, જ્યારે સાધુ-સંતો પોતાની મહેનત અને ખર્ચે યાત્રિકો માટે સુવિધા ઉભી કરે છે, ત્યારે વન વિભાગ દ્વારા તેને તોડી પાડવામાં આવે છે. દરમ્યાન મહંતની રજૂઆતને પગલે વિરોધ પક્ષના નેતા લલિત પણસારાએ ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી હતી. હાલમાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ બાબતે નોંધ લેવામાં આવી છે અને તેઓએ જીલ્લા કલેકટરને આદેશ જારી કર્યો છે કે મંદિરે હેરાનગતી રોકવા તેમજ સુવિધા બાબતે તત્કાલ કાર્યવાહી કરવા જણાવેલ છે.