યાત્રાધામ વીરપુરમાં નવરાત્રીની રંગતની તૈયારીઓ શરૂ
યાત્રાધામ વીરપુરમાં ૬૦ વર્ષ જૂની જય અંબે ગરબી મંડળમાં નાની બાળાઓના પ્રાચીન રાસ-ગરબાની તાલીમ શરૂ, નવેનવ દિવસ ગરબે ઘૂમવા ખેલૈયાઓ થનગની રહ્યા છે
વીરપુર તા. ૮
માં જગદંબાની આરાધનાના પર્વ એવા નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે યાત્રાધામ વીરપુરમાં નવરાત્રીની તૈયારીઓનો માહોલ જામવા લાગ્યો છે. ગરબા રમવા માટે ખેલૈયાઓમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે, ત્યારે વીરપુરની પ્રાચીન ગરબીઓમાં નાની-નાની બાળાઓએ પણ ગરબે ઘૂમવાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
વીરપુરના જુના બસ સ્ટેન્ડ ચોક ખાતે આવેલી જય અંબે ગરબી મંડળ દ્વારા છેલ્લા ૬૦ વર્ષથી પ્રાચીન ગરબીઓનું આયોજન કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવાના ઉદ્દેશ સાથે અહીં વર્ષોથી પ્રાચીન ગરબાઓને આગવું મહત્વ આપવામાં આવે છે.
નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી ગરબી મંડળના આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને નાની બાળાઓ છેલ્લા એક મહિનાથી વિવિધ રાસ-ગરબાની તાલીમ લઈ રહી છે. બાળાઓમાં પણ નવરાત્રી દરમિયાન ગરબે રમવાનો અને માતાજીની આરાધના કરવાનો ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.
ગરબીમાં બાળાઓને માતાજીના પ્રાચીન તેમજ અર્વાચીન રાસ, રાધા-કૃષ્ણ રાસ, ઢોલ રાસ, અભિનય રાસ સહિતના વિવિધ રાસ-ગરબાની પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે. પરંપરાગત ગરબાની સાથે વિવિધ રાસની રજૂઆત દ્વારા નવરાત્રીના નવ દિવસ ભક્તિમય માહોલ સર્જવાની તૈયારીઓ ચાલી રહી છે.
ગરબી મંડળના આયોજકોના જણાવ્યા મુજબ, આજના આધુનિક યુગમાં પણ નવી પેઢી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાથી જાેડાયેલી રહે તે માટે છેલ્લા ૬૦ વર્ષથી પ્રાચીન ગરબીઓને મહત્વ આપવામાં આવે છે. નાની બાળાઓને શરૂઆતથી જ પ્રાચીન રાસ-ગરબાની તાલીમ આપી પરંપરાને આગળ ધપાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
નાની બાળાઓમાં પણ નવરાત્રીને લઈને ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. બાળાઓનું કહેવું છે કે નવેનવ દિવસ ઉત્સાહપૂર્વક ગરબા રમીને માતાજીની આરાધના કરીશું. સાથે જ જગદંબા માતાજીને વિશ્વમાં શાંતિ અને સુલેહ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી ભક્તિભાવપૂર્વક નવરાત્રીની ઉજવણી કરીશું.
આમ, નવલી નવરાત્રીના આગમન પૂર્વે જ યાત્રાધામ વીરપુરમાં પ્રાચીન ગરબીઓના તાલે નાની બાળાઓના પગ થિરકવા લાગ્યા છે અને વીરપુરમાં નવરાત્રીની રંગતનો માહોલ ધીમે ધીમે જામવા લાગ્યો છે.


