જૂનાગઢની નોબલ આર્યુવેદીક કોલેજનાં ટ્રસ્ટી અને પ્રોફેસરની લાંચ આપવાનાં ગુનામાં સીબીઆઈ દ્વારા ધરપકડ : તિહાર જેલમાં ધકેલાયા
જૂનાગઢ તા.ર૭
જૂનાગઢ શહેર નજીક ભેંસાણ રોડ પર આવેલ નોબલ યુનિવર્સીટી અંતર્ગત રહેલી નોબલ આયુર્વેદીક કોલેજનાં ટ્રસ્ટી અને પ્રોફેસર વિરૂધ્ધ લાંચ આપવાનાં ગુના સબબ સીબીઆઈ ફરીયાદ નોંધાતા જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રનાં શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો છે. જૂનાગઢની નોબલ આયુર્વેદીક કોલેજનાં ટ્રસ્ટી પ્રતિક મોરી અને પ્રો. ડો. અભય નાલવડે સામે લખનૌની આયુર્વેદીક કોલેજનાં મહીલા પ્રિન્સીપાલ તેમજ નેશનલ કમિશન ફોર ઈન્ડીયન સીસ્ટમ ફોર મેડીશ્યન નવી દિલ્હીની હીયરીંગ કમીટીનાં સભ્ય પ્રો. રૂપાલી મહાડીકને રૂા. ૧૦ લાખની લાંચ આપવાના પ્રયાસ કરવાનાં ગુનામાં સીબીઆઈએ ધરપકડ કરી તિહાર જેલ હવાલે કરેલ છે. દિલ્હીની હોટલ રેડીશન બ્લુનાં વેઈટીંગ રૂમમાં સીબીઆઈએ ટ્રેપ ગોઠવી પ્રતિક મોરી અને અભય નાલવડેને રૂા. ૧૦ લાખની લાંચ આપવા બાબતે રંગેહાથ ઝડપી લીધા હતાં. આ અંગે પ્રાપ્ત સનસનીખેજ વિગત મુજબ જૂનાગઢની નોબલ આર્યુવેદીક કોલેજમાં લખનૌનાં મહિલા પ્રિન્સીપાલ ડો. રૂપાલી મહાડીક રેગ્યુલર ઈન્સ્પેકશન માટે આવેલ ત્યારે નોબલ આયુર્વેદીક કોલેજમાં ૧૩ બોગસ ટીચર્સ (ફેકલ્ટિ) હોવાનું ખુલ્યા પછી કોલેજ વહીવટી તંત્ર દ્વારા રૂપાલીબેનને અનુકુળ રીપોર્ટ આપવા માટે રૂા. ૧૦ લાખની લાંચ આપવાની ઓફર કરવામાં આવી હતી. રીપોર્ટમાં સાચવી લેવા માટે કોલ કરવામાં આવ્યો હતો. અને રૂા. ૧૦ લાખ આપવાનું નકકી થયું હતું. અને દિલ્હીની હોટલ રેડીશન બ્લુમાં આ મુલાકાત ગોઠવાઈ હતી. પરંતુ ડો. રૂપાલીબેને આ અંગે સીબીઆઈને અગાઉથી જ જાણ કરી દીધી હતી. જેથી સીબીઆઈનાં ૧૩ ઓફીસરની ટીમ કોલેજનાં ટ્રસ્ટી અને પ્રોફેસરને ઝડપી લેવા હોટલમાં વેઈટર અને રીસેપ્શનીસ્ટનાં સ્વાંગમાં ગોઠવાઈ ગયા હતાં. અને જેવા આરોપીઓ પ્રતિક મોરી અને અભય નાલવડેએ ડો. રૂપાલીબેનને લાંચ આપવાનો પ્રયાસ કર્યો તે સાથે જ અગાઉથી થયેલ ગોઠવણી મુજબ ડો. રૂપાલીબેને સીબીઆઈ અધિકારીઓને સીગ્નલ આપતા સીબીઆઈ અધિકારીઓ ત્રાટકયા હતાં અને પ્રતિક મોરી અને અભય નાલવડેને રંગે હાથ ઝડપી લીધા હતાં. અને તેની તાત્કાલીક ધરપકડ કરી બંને આરોપીઓને તિહાર જેલમાં મોકલી આપવામાં આવ્યા હતાં. આમ આ કેસમાં લાંચ લેનાર નહીં પરંતુ લાંચ આપનાર સામે ગુનો નોંધાયો છે. સામાન્ય રીતે લાંચ લેનાર સામે ફરીયાદ નોંધાય છે પરંતુ આ કેસમાં ઉલ્ટી ગંગા વહી હતી. અને લાંચ આપનારને તિહાર જેલનાં સળીયા ગણવાનો વારો આવ્યો છે.
દરમ્યાન સીબીઆઈનાં એક અધિકારીનાં જણાવ્યા અનુસાર નોબલ યુનિવર્સિટીનાં તમામ આર્થિક વ્યવહારો, પગાર બીલ તેમજ ખર્ચ અને બેંક એકાઉન્ટ સહિતનાં નાણાંકીય વ્યવહારો અંગેની જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે તેવો નિર્દેશ આપ્યો હતો.


