જૂનાગઢ વેટરનરી કોલેજના ૩૩ વિદ્યાર્થીઓનું પ્રતિષ્ઠિત એકમોમાં પ્લેસમેન્ટ
કામધેનુ યુનિવર્સિટી હેઠળની વેટરિનરી કોલેજના વિદ્યાર્થીઓનો કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં ઝળહળતો દેખાવ : કોલેજ પરિવારમાં ગૌરવની લાગણી
જૂનાગઢ તા.૧૦
કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર સંલગ્ન જૂનાગઢ વેટરિનરી કોલેજ ખાતે તાજેતરમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા સફળતાપૂર્વક કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓને ખ્યાતનામ સંસ્થાઓમાં રોજગાર મેળવવાની સુવર્ણ તક પ્રાપ્ત થઈ છે, જેના પરિણામે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની પસંદગી થતાં સમગ્ર કોલેજ પરિસરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્લેસમેન્ટ પ્રક્રિયા અંતર્ગત ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ માહી ડેરી પ્રા. લિ., રાજકોટ દ્વારા યોજાયેલા કેમ્પસ ઇન્ટરવ્યુમાં ૨૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જેમાંથી ૧૯ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ, ૬ માર્ચ ૨૦૨૬ના રોજ જી.વી.કે. ઇમરી (GVK EMRI) દ્વારા યોજાયેલા ઇન્ટરવ્યુમાં ૧૦ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને તમામ ૧૦ વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા. તે જ દિવસે આણંદ ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા યોજાયેલા ઇન્ટરવ્યુમાં ૪ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને તેઓ તમામ ૪ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આમ, કુલ ૩૩ વિદ્યાર્થીઓએ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં સ્થાન મેળવી કોલેજનું નામ રોશન કર્યું છે.
આ સમગ્ર પ્લેસમેન્ટ કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એમ. આર. ગડરિયાના કુશળ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્લેસમેન્ટ કન્વીનર ડૉ. જે. બી. કથીરિયા અને પ્લેસમેન્ટ સેલ સેક્રેટરી ડૉ. એ. કે. બિલવાલ દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓની આ પ્રકારની મોટી સંખ્યામાં પસંદગી થવી તે કોલેજના શૈક્ષણિક સ્તર અને વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ છે, જે સંસ્થા માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ સમાન છે. તેમ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.


