જૂનાગઢ : હોળી-ધૂળેટી તથા રમઝાન માસ સબબ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

જૂનાગઢ : હોળી-ધૂળેટી તથા રમઝાન માસ સબબ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૦
જૂનાગઢ શહેરમાં આગામી સમયમાં આવનારા હોળી-ધૂળેટી તથા પવિત્ર રમઝાન માસના તહેવારો શાંતિપૂર્ણ, ભાઈચારાભર્યા અને સુવ્યવસ્થિત રીતે ઉજવાઈ શકે તે હેતુસર જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન, આઝાદ ચોક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈનચાર્જ પી.આઈ. ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાયેલી. બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોના આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ તથા શાંતિ સમિતિના સભ્યો  હાજર રહ્યા હતા. જેમાં તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે મહત્વપૂર્ણ ચર્ચા બેઠક દરમિયાન પી.આઈ. શ્રી ગોહિલ દ્વારા જણાવ્યું હતું કે, હોળી-ધૂળેટી તથા રમઝાન માસ દરમિયાન શહેરમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ સતત સતર્ક રહેશે. તહેવારો દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નાગરિકો અને સમાજના આગેવાનોનો સહયોગ અનિવાર્ય છે. બેઠકમાં હાજર તમામ પ્રતિનિધિઓએ તહેવારો દરમ્યાન સામાજિક શાંતિ, એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે વિવિધ મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા હતા અને તે સૂચનોને કડક રીતે અમલમાં મૂકવા માટે સહમતિ દર્શાવી હતી. બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ સૂચનો/ર્નિણયોમાં તહેવારોને ધ્યાનમાં રાખી  મહત્વપૂર્ણ સૂચનો અને ર્નિણય લેવાયા હતા જેમાં જાહેર રસ્તાઓ પર ક્રિકેટ રમવા નહીં. શહેરના વિવિધ વિસ્તારોમાં તહેવારો દરમિયાન યુવાનો દ્વારા જાહેર માર્ગો પર ક્રિકેટ રમવાના કારણે ટ્રાફિક અવરોધ, અકસ્માતની શક્યતા અને જનતાને અસુવિધા સર્જાય છે. તેથી જાહેર રસ્તાઓ પર ક્રિકેટ અથવા અન્ય રમતો ન રમવા અંગે ખાસ સૂચના આપવામાં આવી. હોળી-ધૂળેટી દરમિયાન કુદરતી રંગોનો ઉપયોગ કરવા સૂચનથતા હોળી-ધૂળેટી દરમિયાન લોકો દ્વારા કેમિકલયુક્ત રંગોના ઉપયોગથી સ્વાસ્થ્યને નુકસાન તેમજ પર્યાવરણને અસર થતી હોવાની ચર્ચા થઈ હતી. તેથી તહેવાર દરમિયાન અબીલ-ગુલાલ તથા કુદરતી રંગોનો ઉપયોગ કરવા સર્વસંમતિથી ર્નિણય લેવાયોહતો. તેમજ બેઠકમાં તમામ સમાજના પ્રતિનિધિઓને તહેવારો દરમિયાન કોઈ પણ પ્રકારના વિવાદ, ઉશ્કેરણીજનક વર્તન અથવા અફવાથી દૂર રહેવા તેમજ શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા અપીલ કરવામાં આવી. તહેવારો દરમિયાન સોશિયલ મીડિયા પર અફવાઓ અને ભ્રામક માહિતી ફેલાવાની શક્યતા રહેતી હોય છે. તેથી આવા કોઈ પણ સંદેશા અથવા અફવા પર વિશ્વાસ ન કરવા અને કોઈ શંકાસ્પદ માહિતી હોય તો તરત પોલીસને જાણ કરવા જણાવાયું. 
કડક અમલવારી માટે પોલીસ વિભાગ સતર્ક પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે, તહેવારો દરમ્યાન કોઈ પણ પ્રકારની કાયદા ભંગની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને શહેરમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે. આ શાંતિ સમિતિની બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી અનેક આગેવાનો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જેમાં બટુકભાઈ મકવાણા, મુન્ના બાપુ દાતારવાળા, અશ્વિનભાઈ મણિયાર, અશરફભાઈ થઈમ, જિશાન હાલેપોત્રા, સમજુભાઈ સોલંકી, વહાબભાઈ કુરેશી, હાજીભાઈ ઠેબા, સમીર કાદરી, સરવણ મકરાણી, રમેશભાઈ વાજા, મુશ્તાકભાઈ, હનિફ બાપુ, સોહેલ સિદ્દીકી સહીતના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતમાં તમામ સભ્યો દ્વારા પોલીસ તંત્રને તહેવારો દરમિયાન સંપૂર્ણ સહયોગ આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો અને શહેરમાં શાંતિ તથા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જનજાગૃતિ લાવવાની પણ વાત કરવામાં આવી. પોલીસ તંત્ર દ્વારા પણ આશ્વાસન આપવામાં આવ્યું કે, તહેવારો દરમિયાન શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે અને કોઈ પણ અયોગ્ય પ્રવૃત્તિ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે.