જૂનાગઢમાં કવિ પ્રતાપ ભટ્ટ ‘પિયુ’ના કાવ્યસંગ્રહ ‘પિયુ પમરાટ’નો વિમોચન કાર્યક્રમ યોજાયો

જૂનાગઢમાં કવિ પ્રતાપ ભટ્ટ ‘પિયુ’ના કાવ્યસંગ્રહ ‘પિયુ પમરાટ’નો વિમોચન કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૩
તાજેતરમાં કવિ પ્રતાપ ભટ્ટ ‘પિયુ‘ના કાવ્યસંગ્રહ ‘પિયુ પમરાટ‘ના વિમોચનનો કાર્યક્રમ ડો. રાધાકૃષ્ણન કોમ્યુનિટી હોલ, બિલખા રોડ, જૂનાગઢ ખાતે સાહિત્ય-સંગીત રસિકો અને શુભેચ્છકોની હાજરીમાં યોજાઈ ગયો. જેમાં કવિ પ્રતાપ ભટ્ટે લખેલા તથા તેમના જ સંગીતબદ્ધ કરેલા ગીતોને તેમના પૌત્ર-પૌત્રીઓ, પરિવારજનોએ ગાઇને રજૂ કર્યા.જેથી એક વિશિષ્ટ સંગીતમય કાવ્યવિમોચનનો કાર્યક્રમ શ્રોતાઓને માણવા મળ્યો. પ્રતાપ ભટ્ટ શાસ્ત્રીય સંગીતના જ્ઞાતા પણ છે. જેથી તેમણે રચેલી કવિતાઓને તેમણે જ સ્વરબદ્ધ કરી છે. તેમણે તેમની યુવાવસ્થામાં અનેક કાર્યક્રમો કર્યા હતા. જેમાં ઉલ્લેખનીય કાર્યક્રમમાં મુંબઈ ખાતે સુગમ સંગીતના પ્રોગ્રામનું આયોજન કરેલું. જેમાં ફિલ્મ સંગીતકાર કેરસી મિસ્ત્રી તથા સહગાયકોમાં જે તે સમયના વિખ્યાત ગાયક ગાયિકાઓ રાજુલ મહેતા, પુણિર્મા ઝવેરી, બી. કમલેશકુમારી, હિંમતભાઈ ભટ્ટ વગેરેએ ભાગ લીધેલો. આ ઉપરાંત કવિએ પ્રખ્યાત ગાયિકા કમલ બારોટ સાથે જૂનાગઢ ખાતે જીમખાનામાં પણ આવો કાર્યક્રમ કરેલો અને તેમની કાવ્ય સર્જનની સાથે એક સારા ગીતકાર, ગાયક અને સંગીતકાર તરીકેની છાપ ઊભી કરેલ છે. જૂનાગઢ ખાતે તેમની કાવ્ય કૃતિઓને ‘પિયુ પમરાટ‘ના નામથી પુસ્તક સ્વરૂપે રજૂ કરીને તથા તેમના જ રચેલા અને સ્વરબદ્ધ કરેલા આ ગીતોને તેમના પરિવાર દ્વારા જ સંગીતમય રીતે રજૂ કરવાનો આ કાર્યક્રમ કદાચ આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ છે. જેને વિમોચન સમયે તે જ કાવ્યોને સંગીતમય રીતે રજૂ કર્યા હોય. આ સમગ્ર કાર્યક્રમમાં સંગીત સંચાલન તેમના સુપુત્ર ચંદ્રેશ ભટ્ટે કરેલ. ગાયક વૃંદમાં ચંદ્રેશ ભટ્ટ, કમલેશ ભટ્ટ, જીગ્નેશ ભટ્ટ તથા પૌત્ર-પૌત્રીઓ અને પૌત્રવધુ કશ્યપ ભટ્ટ, સાયની કશ્યપ ભટ્ટ, ઓમ ભટ્ટ, મીત ભટ્ટ, દર્શના ભટ્ટ પુરોહિત, ગાર્ગી ભટ્ટ, બ્રિન્દા ભટ્ટ, મીરા ભટ્ટ તથા ભવ્ય ભટ્ટ દ્વારા આ કાવ્યોની સુંદર સંગીતમય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાતના નામાંકિત કવિઓ કૃષ્ણ દવે, ડો.સ્નેહી પરમાર તથા રમેશભાઈ મહેતા રહેલ. જેમણે ઉપરોક્ત પ્રસ્તુતિની પ્રશંસા કરેલ અને તેઓએ સ્વરચિત કાવ્યોનો રસાસ્વાદ કરાવેલ હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. વિરેન્દ્ર ભટ્ટ તથા વિજય ભટ્ટે કરેલ હતું.