જૂનાગઢ શહેરમાં વધતી જતી ગંભીર ટ્રાફીક સમસ્યા શહેરનાં મુખ્ય માર્ગો ઉપર આડેધડ પાર્કિંગ થતાં વાહનો ટ્રાફીક સમસ્યા સર્જે છે : બંધ પડેલી સરકારી કચેરી, ઈમારતોના ખાલી પડેલા પટાંગણમાં વાહન પાર્કિંગ વ્યવસ્થા કરો
જૂનાગઢ તા. ૯
જૂનાગઢ શહેરમાં ટ્રાફીકની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. ગમે તેવા ઉપાયો કરો, સુચનો કરો કોઈ ઉકેલ આવતો નથી. ખાસ કરીને રસ્તા ઉપરનાં આડેધડ વાહનોનાં થતા પાર્કિંગને કારણે પણ ટ્રાફીક સમસ્યા સર્જાતા હોવાનું મનાઈ છે. શહેરમાં અનેક બંધ પડેલી સરકારી જગ્યાઓ અને સરકારી ઈમારતોનાં પટાંગણો ખાલી પડયા છે. આવા તમામ સ્થળોએ પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવે તો ટ્રાફીકની સ્થિતી હળવી બની શકે તેમ છે.
જૂનાગઢ શહેરની ભૌગોલિક સ્થિતી અને સાંકડી બજારોનાં કારણે દરેક બજારોમાં ભારે ભીડ જાેવા મળતી હોય છે. શહેરનાં કોલેજ રોડ, એમ.જી. રોડ, કાળવા ચોક, જવાહર રોડ, દાતાર રોડ, ભુતનાથ રોડ, આઝાદ ચોક, પંચહાટડી ચોક, માલીવાડા રોડ, માંગનાથ રોડ, ઝાંઝરડા રોડ, સરદાર બાગ રોડ, ગાંધી ચોક, રેલ્વે સ્ટેશન રોડ, મોતીબાગ, ટીંબાવાડી રોડ સહીતનાં મોટાભાગનાં વિસ્તારોમાં વહેલી સવારથી લઈ મોડી રાત સુધી વાહનોની સતત અવર-જવર રહે છે. શહેરની મુખ્ય બજારો અને હટાણા માટેના પ્રખ્યાત બજારોમાં પણ જૂનાગઢ શહેર તેમજ બહારગામથી આવતા લોકો જેઓ ખાસ ખરીદી માટે આવ્યા હોય છે. અને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓથી લઈ વિવિધ વસ્તુઓ, વસ્ત્રો, બુટ, ચંપલથી લઈ અનેક વસ્તુઓની ખરીદી કરતા હોય છે. જૂનાગઢની મુખ્ય બજારોમાં ખરીદીને લઈને પણ લોકોની સતત અવરજવર રહેતી હોય છે. હવે મુખ્ય વાત તો ત્યાં આવે છે કે જૂનાગઢની મોટાભાગની બજારો એક તો પહેલેથી જ સાંકડી બજારો છે. અને ત્યાં લોકોની સતત અવર-જવર, વાહનોની દોડધામ જાેવા મળે છે. શહેરનાં ભરચક્ક ગણાતા વિસ્તારોમાં ટ્રાફીકની સમસ્યા સર્જાયેલી રહે છે.
છેલ્લા ર૦ વર્ષમાં વસ્તીની દ્રષ્ટીએ અને વાહનોની દ્રષ્ટીએ પણ વધારો થયો છે. પહેલા એક ઘરમાં માત્ર એક સ્કુટર, એક સાયકલ જેવા સાધનો હતા. જયારે આજે ઘરનાં સભ્ય એટલા વાહનો જેમાં સાયકલ, મોપેડ, ફોર વ્હીલ સહીતનાં વાહનો હોય છે. આ ઉપરાંત બહારથી આવતા લોકો અને તેમનાં વાહનો આ બધીજ બાબતો ઉપર જાેવા જઈએ તો જૂનાગઢ શહેર ટ્રાફીકથી ધમધમતું શહેર આજે બની ગયું છે. ટ્રાફીક સમસ્યા સતત ને સતત વધતી જાય છે. અને હજુ પણ વધતી રહેવાની છે. ટ્રાફીક સમસ્યા મોટાભાગનાં વિસ્તારોમાં સર્જાવાના કારણમાં સૌથી મોટું કારણ તો એ છે કે, સાંકડા માર્ગો, લોકોની વાહનો સાથેની સતત અવર-જવર અને તેમાં પણ સાંકડા રસ્તા ઉપર બંને સાઈડમાં લોકોએ આડેધડ વાહનો પાર્કિંગ કરી નાખતા હોવાનાં કારણે પણ આઝાદ ચોકથી કાળવા ચોક અને તેમાં પણ જેનીલીથી રાણાવાવ ચોક સુધીમાં તો વગર ફાટકે ટ્રાફીક જામનાં દ્રશ્યો દિવસમાં અનેકવાર સર્જાય છે.
જૂનાગઢ શહેરથી વણસતી જતી ટ્રાફીક સમસ્યાનાં નિવારણનો સાચો ઉકેલ શું? તો તેનો એકજ જવાબ છે જૂનાગઢ શહેરમાં બંધ પડેલી સરકારી કચેરી, ઈમારતો કે સરકારી અવાવરૂ પડેલી જગ્યા ઉપર વાહન માટેનાં પાર્કિંગ સ્થળો બનાવવા અને રસ્તા ઉપર બંને સાઈડમાં આડેધડ વાહનો પાર્કિંગ કરી સાંકડા રસ્તાને વધુ સાંકડો બનાવી અને ટ્રાફીક સમસ્યામાં વધારો કરનારા સામે કડક કાર્યવાહી કરો તો જ ટ્રાફીક સમસ્યા થોડા ઘણા અંશે હલ થશે જેથી આ બાબતે સંબંધીત તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.


