સંતોનાં મેળામાં સનાતન પરંપરાઓનું ચિરહરણ થયું : મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ

સંતોનાં મેળામાં સનાતન પરંપરાઓનું ચિરહરણ થયું : મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ

જૂનાગઢ તા.૧૯
 જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રિના મેળા દરમ્યાન મૃગીકુંડમાં સ્નાન કરવાના મામલે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીતિર્ પટેલની મુશ્કેલીઓ હવે બેવડાઈ છે. ગઈકાલે પોલીસની ફરજમાં રૂકાવટ કરવા બદલ ગુનો નોંધાયા બાદ ફરી એકવાર કીતિર્ પટેલ વિરૂધ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ ભાલકાતીર્થ નજીક આવેલા નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસીન બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. સદીઓ જૂની ધામિર્ક પરંપરાનો ભંગ કરવા અને મૃગીકુંડની ગરિમાને ઠેસ પહોંચાડવા બદલ આ ગુનો નોંધવામાં આવ્યો છે.
મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુએ જણાવ્યું હતું કે ગિરનાર અને ભવનાથના સાધુ-સંતો કદાચ કોઈ કારણસર દબાયેલા અનુભવતા હોય એવું જણાય છે, પરંતુ સનાતન ધર્મની પરંપરાનું અપમાન ચલાવી લેવાય નહીં. 
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આપણે ગિરનારની પવિત્રતા બચાવવાની છે અને એના માટે જ મેં કીતિર્ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે જૂનાગઢ પોલીસની ટીમ તેમની પાસે પહોંચી હતી અને બાપુએ મૃગીકુંડમાં ગેરકાયદે સ્નાન કરવા બદલ કાયદેસરની ફરિયાદ નોંધાવીને તપાસની માંગ કરી છે. તદુપરાંત આવું કૃત્ય કરનારી અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભવનાથમાં રાજકારણ ઘૂસ્યું છે કે જેમાં આ વર્ષે શિવરાત્રિના મેળામાં મૃગીકુંડમાં કીતિર્ પટેલ નાગાસાધુઓ સાથે શાહી સ્નાનમાં ઘૂસી હતી અને બધા સાધુ-સંતો અને નાગા સાધુઓ સાથે શાહી સ્નાન કર્યું. આ કીતિર્ પટેલને શાહી સ્નાન કરવાનો અધિકાર કોણે આપ્યો તેવો સવાલ ઉઠાવ્યો છે. વધુમાં આ કીતિર્ પટેલને કોણે દીક્ષા આપી છે તેઓ પણ સવાલ ઉઠાવ્યો છે અને જેટલા પણ રાજકારણીઓ છે તે તેને સહકાર આપે છે. વધુમાં આ બાબતે હરિહરાનંદ ભારતી અને ઇન્દ્રભારતી તેમજ ખૂટવાળા મહાત્મા અને મુક્તાનંદ આચાર્ય  કેમ મૌન રહે છે ? 
કીતિર્ પટેલને કોઈ અધિકાર નથી કે ભગવા કપડા પહેરી શાહી સ્નાનમાં જાય, કોના કહેવાથી કીતિર્ ત્યાં ગઈ અને આ મામલે પોલીસ કે કલેક્ટર કેમ કોઈ પગલાં લેતું નથી. હરિગિરિએ બહારથી આવીને જૂનાગઢ ભવનાથનો માહોલ બગાડી નાખ્યો છે. ભવનાથ મંદિરમાં વહીવટકર્તાની નિમણૂક કરાવી એટલા માટે અમે હરિગિરિને કાઢવાની મહેનત કરીએ છીએ. મહેશગિરિ અને મેં બંને જાતે ૫૦૦ સાધુની ભૂતનાથમાં મિટિંગ કરી હતી. વિશેષમાં આ તકે ભાલકા તીર્થ સ્થિત નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસીન બાપુએ જૂનાગઢ શિવરાત્રિ મેળાના વર્તમાન આયોજન અને એમાં વ્યાપેલી ગેરરીતિઓ સામે અત્યંત આકરા તેવર બતાવ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેઓ છેલ્લાં સાત-આઠ વર્ષથી આ મેળામાં જતા નથી, કારણ કે હવે આ પવિત્ર મેળો સંપૂર્ણપણે રાજકારણનો અખાડો બની ગયો છે. સંતોના આ મેળામાં સનાતન પરંપરાઓનું ચીરહરણ થઈ રહ્યું હોવાનો અને સત્તાધારી પક્ષના નેતાઓ તેમજ માનીતા સાધુઓનો દબદબો વધી ગયો હોવાનો ગંભીર આક્ષેપ તેમણે કર્યો છે.
સ્વામી બજરંગદાસ બાપુએ ખાસ કરીને ઇન્દ્રભારતી બાપુ અને મેળાના વહીવટ પર નિશાન સાધતાં કટાક્ષ કર્યો છે કે વહીવટી તંત્ર અને અધિકારીઓ માત્ર ભવનાથના ગણ્યાગાંઠયા ચાર સાધુઓ અને ખાસ કરીને ઇન્દ્રભારતી કહે એટલું જ કરે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું હવે મેળાનું આયોજન શાસન અને વહીવટકર્તાઓ નક્કી કરશે? સનાતન ધર્મના પુરાણો અને વેદોમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ધર્મગુરૂઓએ રાજકીય નેતાઓ સામે ઝૂકવું જોઈએ. સંતો તો રાજાઓના પણ રાજા છે, જેમના શરણમાં સ્વયં ભગવાન રામ અને કૃષ્ણ આવ્યા હતા છતાં આજે જૂના અખાડાના સાધુઓ નેતાઓનું જે રીતે સ્વાગત-સન્માન કરે છે એ સનાતન પરંપરા વિરૂધ્ધ છે.
વધુમં મેળામાં વ્યાપેલા પક્ષપાત અંગે રોષ વ્યક્ત કરતાં બાપુએ જણાવ્યું હતું કે ભાજપના પદાધિકારીઓ અને  નેતાઓની VIP ગાડીઓને અંદર જવા દેવામાં આવે છે, જ્યારે બહારથી આવતા સાચા સાધુ-સંતોને પોલીસ દ્વારા રોકી દેવામાં આવે છે. મોરારિ બાપુ કે રમેશભાઈ ઓઝા જેવા કથાકારોની ગાડીઓને પાસ મળે છે, પરંતુ જે ઉતારાવાળાઓ વર્ષોથી લાખો લોકોને ભોજન કરાવે છે તેમની પાસની વિનંતી કલેક્ટર દ્વારા ફગાવી દેવામાં આવે છે. આ પ્રકારની ‘પાસ સિસ્ટમ‘ લાગુ કરી અધિકારીઓએ સંતોમાં ભાગલા પાડવાનું અને તેમને હેરાન કરવાનું પાપ કર્યું છે.
વધુમાં અખાડાઓની ભૂમિકા સામે સવાલો ઉઠાવતાં તેમણે ઉમેર્યું કે શ્રી પંચ દશનામ જૂના અખાડાનું વલણ સદંતર લોભી અને સ્વાર્થી બની ગયું છે. અખાડાવાળાઓ માત્ર સંપત્તિ અને પૈસા બનાવવામાં જ પડ્યા છે, જ્યારે ભાવિકો માટેની પાયાની વ્યવસ્થાઓ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે. મેળાના દિવસે પણ અનેક જગ્યાએ ખાડા ખોદેલા હતા અને કોઈ સગવડ નહોતી. જો અધિકારીઓ અને નેતાઓ જ બધું નક્કી કરતા હોય તો બાપુએ પડકાર ફેંક્યો છે કે અખાડાઓનું શાહી સ્નાન બંધ કરાવીને ભગવા પહેરેલા સંસારીઓનું જ શાહી સ્નાન કરાવો. અંતમાં, તેમણે કીતિર્ પટેલ અને ઇન્દ્રભારતીને આડે હાથ લેતાં ચેતવણી આપી છે કે ગિરનાર એ સાક્ષાત્ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો રૈવતાચલ પર્વત છે. ગોપાલાનંદ બાપુ જેવા સિદ્ધ મહાત્માઓના સમયમાં જે સાત્ત્વિકતા હતી એ હવે લુપ્ત થઈ છે અને ચાર-પાંચ સાધુએ મેળાને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવી દીધું છે. તેમણે હિન્દુ પ્રજાને ૨૦૨૭ સુધીમાં જાગ્રત થવા હાકલ કરી છે અને જણાવ્યું હતું કે જો સંતો અને સમાજ નહીં જાગે તો જે રીતે પાલિતાણામાં કબજો થયો એમ ઢોંગીઓ અને અન્ય તત્ત્વો ગિરનાર પર પણ કબજો કરી લેશે તેવી ભીતી વ્યક્ત કરી હતી.